અનિલ અંબાણીની આ કંપની માટે RBIએ લીધો મોટો નિર્ણય, કરોડો લોકોને મળશે રાહત
અનિલ અંબાણીના બિઝનેસ પોર્ટફોલિયોમાં એક સમયે સૌથી સફળ કંપની રિલાયન્સ કેપિટલ હવે દેવાના બોજમાં દબાયેલી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ફાઈનાન્સ સેક્ટરની આ કંપની માટે મોટો નિર્ણય લીધો છે.

ઝીરો નેટવર્થ ઉદ્યોગપતિ અને મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફાઇનાન્સ સેક્ટરની આ મોટી કંપની ભારે દેવાના બોજમાં દબાયેલી છે. તેના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હવે ભારતીય રિઝર્વ બેંકે તેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે.
સૌથી સફળ કંપનીઓમાંની એક હતી
રિલાયન્સ કેપિટલ એક સમયે દેશની સૌથી મોટી NBFC કંપનીઓમાંની એક હતી તેમજ અનિલ અંબાણીના બિઝનેસ પોર્ટફોલિયોમાં સૌથી સફળ કંપનીઓમાંની એક હતી.
રિઝોલ્યુશન પ્લાન સબમિટ કર્યો હતો
RBIએ શુક્રવારે દેવાના બોજ હેઠળ દબાયેલી રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે રિલાયન્સ કેપિટલના એક્વિઝિશન માટે રિઝોલ્યુશન પ્લાન સબમિટ કર્યો હતો. આ હિન્દુજા ગ્રુપની કંપની છે.
હિન્દુજા ગ્રુપની થઈ જશે રિલાયન્સ કેપિટલ
રિલાયન્સ કેપિટલે એક નિવેદનમાં માહિતી આપી હતી કે તેના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ પ્રાપ્ત કર્યું છે. કંપનીના રિઝોલ્યુશન પ્લાનને RBIએ 17 નવેમ્બરે જ મંજૂરી આપી હતી. આ સાથે હિંદુજા ગ્રૂપ દ્વારા રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટેનો માર્ગ પહેલા કરતા વધુ સાફ થઈ ગયો છે. હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડ છે.
સૌથી મોટી બોલી લગાવી હતી હિન્દુજા ગ્રુપે
હિન્દુજા ગ્રુપની કંપની ‘ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ’ એ રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે સૌથી મોટી બોલી લગાવી હતી. કંપનીએ રિલાયન્સ કેપિટલને રૂ. 9,650 કરોડમાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એપ્રિલમાં રિલાયન્સ કેપિટલ માટે હરાજીનો બીજો રાઉન્ડ યોજાયો હતો.
RBIએ બોર્ડ હટાવી દીધું હતું
રિલાયન્સ કેપિટલમાં ગંભીર અનિયમિતતાઓ અને ચુકવણી ડિફોલ્ટને ધ્યાનમાં રાખીને, RBIએ 29 નવેમ્બર 2021ના રોજ તેનું બોર્ડ હટાવી દીધું હતું. તેમજ એડમિનિસ્ટ્રેટર નાગેશ્વર રાવની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આવતા સપ્તાહે પેન બનાવતી કંપની આઇપીઓ લાવશે, વાંચો રોકાણની તક વિશે વિગતવાર માહિતી