Budget 2022: શું નાના ખેડૂતની આ ઈચ્છા પૂરી થશે?

સુધીર કહે છે કે, અમારી મહેનત જુઓ, અમે રેકોર્ડ ઉપજ આપી રહ્યાં છીએ, છતાંયે ગરીબી દૂર થતી નથી. સુધીરની ઈચ્છા છે કે, સરકાર કંઈક એવું કરે, જેથી તેમની માસિક આવક 15,000 રૂપિયા થઈ જાય. કાં તો ખર્ચ ઘટી જાય અથવા પાકના સારા ભાવ મળવા લાગે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 4:29 PM

બિજનૌરના 42 વર્ષીય ખેડૂત (farmer) સુધીર રાજપૂત પાસે સાત વીઘા જમીન છે. આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી તેમણે 14 વીધા જમીન ભાડે લઈ રાખી છે, આવી રીતે, તેઓ કુલ 21 વીઘા જમીન (Farm) પર ખેતી કરે છે. શેરડીની વાવણીમાં વિલંબને કારણે ચાલુ વર્ષે ઉપજ પ્રતિ વીઘા 20 ક્વિન્ટલ સુધી ઘટી ગઈ.

ડીઝલ મોંઘું થયું છે અને ખર્ચમાં પણ વધારો થયો છે. આ વખતે તેઓ મહિને 10 હજાર રૂપિયા પણ નહીં કમાઈ શકે. સુધીરના પરિવારમાં માતા, પત્ની, એક પુત્ર, એક પુત્રી સહિત કુલ પાંચ સભ્ય છે. બંને બાળકો ગામથી 12 કિલોમીટર દૂર મંડાવરમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. તેઓ દરરોજ સ્કૂલની બસ દ્વારા અવરજવર કરે છે.

સુધીરે આવક વધારવા માટે ગાયો પાળી છે. દૂધ વેચીને થતી આવકમાંથી જ બાળકોના ભણતરનો ખર્ચ નીકળતો હતો. લોકડાઉન દરમિયાન ખેતીને અસર થઈ નહોતી, પરંતુ ગાયના દૂધનું વેચાણ ન થવાને કારણે આવક બંધ થઈ ગઈ.

આ નુકસાનમાંથી તે હજુ બહાર નથી આવ્યા. બાળકોની સ્કૂલ બંધ થઈ ગઈ અને ઑનલાઈન ભણાવવા માટે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની વ્યવસ્થા કરવી શક્ય નથી. દિવસ-રાત મહેનત કર્યા બાદ સુધીર વર્ષે માંડ-માંડ એકથી સવા લાખ રૂપિયા બચાવી શકે છે.

સુધીરને કૃષિ સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપતો મળે છે. પારાવાર મુશ્કેલીઓ પછી આ વિકલ્પ તો ખુલ્યો પણ આવકમાં મહિને માત્ર 500 રૂપિયાનો વધારો થયો. મહિને 10થી 12 હજારની આવકમાં ઘર ચલાવવું હવે અસંભવ છે. સુધીર ખેતીવાડી સાથે જોડાયેલા એવા 90 ટકા ખેડૂત પરિવારોમાંથી એક છે જેમની પાસે બે એકરથી પણ ઓછી જમીન છે.

આર્થિક સર્વેક્ષણ 2020 મુજબ, દેશમાં લગભગ 70 કરોડ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે જોડાયેલા છે. વસતિ વધવાની સાથે, દેશમાં સરેરાશ એગ્રિકલ્ચર હોલ્ડિંગ ઘટીને માત્ર એક પોઈન્ટ ઝીરો આઠ એકર થઈ ગયું છે. લગભગ છ વીઘા જમીનમાં પરિવારનું ગુજરાન ચલાવવું કોઈ પણ સંજોગોમાં શક્ય નથી.

સુધીર મૂળ તો પશ્ચિમ યુપીના છે, જ્યાં સિંચાઈના ભરપૂર સાધનો છે. અહીં ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લે છે. જો અહીંની આ સ્થિતિ છે, તો પછી ઓડિશા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં શું સ્થિતિ હશે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.

બજેટ આવશે એટલે ખેડૂતોના કલ્યાણની મોટી વાતો થશે. સરકાર આંકડા આપી દેશે કે છેલ્લા ચાર વર્ષમાં કૃષિનું બજેટ વધીને અનેક ગણું કર્યું છે. સરકારે એમએસપી પર રેકોર્ડ પાક ખરીદ્યો, પરંતુ કેટલા ટકા ખેડૂતોને તેનો લાભ મળ્યો, તે વાત હંમેશા ચિંતાજનક રહે છે. કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2020-21માં કુલ 1 લાખ 42 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

વર્ષ 2021-22માં આ બજેટ વધીને 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા થઈ ગયું. સરકારે 1 ડિસેમ્બર 2018થી ખેડૂતો માટે સન્માન નિધિ યોજના શરૂ કરી. આ કારણે વર્ષ 2019-20 માટે કૃષિ ક્ષેત્રનું બજેટ વધારીને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું. બજેટમાં એવી રજૂઆત થશે કે, નવી ટેક્નોલોજી વિકસાવવા માટે સરકાર ગ્રાન્ટ આપે છે.

વર્ષ 2015-16માં તેની હેઠળ 6,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જે વર્ષ 2019-20માં 8,000 કરોડ કરવામાં આવી. વર્ષ 2021-22માં તેના માટે 8,510 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ સુધીર જેવા લોકોને ખબર જ નથી કે, કૃષિ મશીનરી પર સબસિડી જેવી અનેક યોજનાઓનો લાભ કેવી રીતે મળે છે.

સુધીર જેવા લોકો તો માત્ર ખેતીના પ્રત્યક્ષ ખર્ચ એટલે કે, સિંચાઇ, વીજળી, ડીઝલ, ખાતર, મજૂરી અને બજારમાં માલની મળતી કિંમતનો હિસાબ લગાવીને ગણે છે. માટે આવક વધતી જ નથી.

ખેડૂતોના નામે બજેટમાં ખુબ આંકડાબાજી થાય છે. જેમ કે, છેલ્લા બજેટમાં, સરકારે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને 16 લાખ 5 હજાર કરોડ કર્યો. જો આ રકમ બજેટનો હિસ્સો હોતી જ નથી, તો પછી તેના ગુણગાન કેમ કરવામાં આવે છે, તે એક મોટો પ્રશ્ન છે. સરકારના લાખ પ્રયાસો છતાં નાના ખેડૂતોને સરકારી સંસ્થાઓ પાસેથી લોન મળવી સરળ કામ નથી.

જોકે, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC એક એવું માધ્યમ છે, જે એક વખત બની જાય તો, લોન લેવાનો માર્ગ સરળ બની જાય છે. દેશમાં અઢી કરોડ ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ છે. તેની ઉપયોગિતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેની હેઠળ ચૂકવાયેલી લોનની રકમ
1 લાખ 6 હજાર કરોડ રૂપિયાથી વધીને માર્ચ 2019માં 7 લાખ 9 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ.

સુધીર નથી ઈચ્છતો કે તેનો પુત્ર ખેતી કરે. પણ તેને ભણાવવો કેવી રીતે? મહિનો પૂરો થયા પછી કંઈ બચતું જ નથી તો ઓનલાઈન અભ્યાસનો ખર્ચ ક્યાંથી ઉઠાવવો. સુધીર કહે છે કે, અમારી મહેનત જુઓ, અમે રેકોર્ડ ઉપજ (Yield) આપી રહ્યાં છીએ, છતાંયે ગરીબી દૂર થતી નથી.

બહારથી મળતું કામ પણ હવે બંધ થઈ ગયું છે. સુધીરની ઈચ્છા છે કે, સરકાર કંઈક એવું કરે, જેથી તેમની માસિક આવક  (Monthly income) 15,000 રૂપિયા થઈ જાય. કાં તો ખર્ચ ઘટી જાય અથવા પાકના સારા ભાવ મળવા લાગે.

આ પણ વાંચોઃ Budget 2022: પ્રવાસી મજૂરોની બજેટ પાસે શું અપેક્ષાઓ છે?

આ પણ વાંચોઃ Budget 2022: બજેટમાં સ્વરોજગાર આધારિત લોકોની નાણાંમંત્રીથી વિશેષ અપેક્ષાઓ, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">