સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાઓને મળી શકે છે ઝટકો ! યોજના બંધ કરી શકે છે સરકાર, આ છે કારણ
જો તમે પણ સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને પણ ઝટકો લાગી શકે છે. સરકાર હવે આ સ્કીમ બંધ કરી શકે છે અથવા તેના હપ્તા ઘટાડી શકે છે. જો આમ થશે તો જેમણે સારા વળતરની આશા સાથે તેમાં રોકાણ કર્યું છે એવા રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે સરકાર આ યોજનાને કેમ બંધ કરી શકે છે?
જો તમે પણ સોનામાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અને આ સમાચાર તમને પણ ચોંકાવી શકે છે. સોનામાં રોકાણ હંમેશા ફાયદાકારક અને સલામત માનવામાં આવે છે. જે લોકો સોનામાં રોકાણ કરે છે તેઓ હંમેશા લાંબા ગાળામાં નફો મેળવે છે. આથી સરકાર પણ અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ તેમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર હવે આ સ્કીમ બંધ કરી શકે છે અથવા તેના શ્રેણી ઘટાડી શકે છે. જો આમ થશે તો જેમણે સારા વળતરની આશા સાથે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કર્યું છે એવા રોકાણકારોને મોટું નુકસાન થઈ શકે છે .
સંસદમાં 23 જુલાઈએ રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં, સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા પછી, NSE પર સોવરેન ગોલ્ડ બોન્ડના ભાવ 2થી 5 ટકા ઘટ્યા છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી. સોવરેન ગોલ્ડ બોન્ડ સરકાર વતી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે, તેથી તે સરકારની ગેરંટી છે. આમાં, તમને રોકાણ પર ખાતરીપૂર્વક વળતર મળે છે. આમાં રોકાણ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. આ નાણાં દર 6 મહિને રોકાણકારોના બેંક ખાતામાં જમા થાય છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પહેલી યોજના કે શ્રેણી 30 નવેમ્બર, 2015 ના રોજ આવ્યો હતો. જે નવેમ્બર 2023માં પરિપક્વ થયો હતો. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની બીજી શ્રેણી 2016-17 ઓગસ્ટ 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ શ્રેણી, આગામી ઓગસ્ટ 2024માં પરિપક્વ થવા જઈ રહી છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ શા માટે બંધ કરે ?
મીડિયા અહેવાલ અનુસાર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાથી સોવરેન ગોલ્ડ બોન્ડની માંગ ઘટી શકે છે. સાથે જ સરકારનું માનવું છે કે આ યોજના તેમના માટે મોંઘી બની રહી છે. આ જ કારણ છે કે સરકાર આ યોજનાને બંધ કરવા અથવા યોજનાની શ્રેણી ઘટાડવાની યોજના બનાવી રહી છે.
બીજી બાજુ, એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી રજૂ કરાયેલા મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, સરકારે આ નાણાકીય વર્ષ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરવાનો લક્ષ્યાંક 38 % ઘટાડ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હવે સરકાર 2024-25માં 18,500 કરોડ રૂપિયાનું ‘પેપર ગોલ્ડ’ જાહેર કરવાની યોજના બનાવી રહી છે. વચગાળાના બજેટમાં રૂ. 29,638 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની મર્યાદા
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલોગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જ્યારે બોન્ડ માટેનુ જરૂરી લઘુત્તમ રોકાણ 1 ગ્રામ છે. જ્યારે, ટ્રસ્ટ અથવા તેના જેવી અન્ય સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના માટેની અરજીઓમાં ઓછામાં ઓછી 1 ગ્રામ અને તેના ગુણાંકમાં જાહેર કરવામાં આવે છે.
રોકાણકારોને કેવી રીતે નુકસાન થશે?
જે રોકાણકારોએ 8 વર્ષ પહેલા શ્રેણી એક હેઠળ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કર્યું હતું તેઓને હવે નુકસાન થઈ શકે છે. ખરેખર, વર્ષ 2016-17ની શ્રેણી 1 ઓગસ્ટ 2016ના રોજ આવી હતી. તે સમયે તેની ઈશ્યૂ કિંમત 3119 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. તે સમયે તેના પર વાર્ષિક 2.75 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ સિરીઝની મેચ્યોરિટી આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં થવાની છે.
બજેટ પહેલા સોનાની કિંમત 74 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. જો સરકારે સોનાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો ન કર્યો હોત તો સોનાની કિંમત વધુ વધી શકી હોત. પરંતુ તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો ન થવાને કારણે ધારો કે ઓગસ્ટમાં સોનાની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોત અને હવે તે 70 હજાર રૂપિયાની આસપાસ હશે તો આવી સ્થિતિમાં રોકાણકારને પ્રતિ 10 ગ્રામે 5 હજાર રૂપિયાનું નુકસાન થયું છે.