ભારતના આઈટી સેક્ટરની પ્રમુખ કંપની ઈન્ફોસિસમાં (Infosys) હાલ મોટી હલચલ થઈ છે. ઈન્ફોસિસના (Infosys Ceo) અધ્યક્ષ રવિ કુમાર એસ એ પદ પરથી રાજીનામું આપ્યુ છે. ઈન્ફોસિસ કંપનીએ આજે મંગળવારે આ જાણકારી આપી છે. જોકે કંપનીએ તેમના રાજીનામા પાછળનું કારણ જણાવ્યુ નથી. રવિ કુમાર એ ઈન્ફોસિસની બીજા ત્રિમાસીક પરિણામના પરિણામની જાહેરાત પહેલા જ પોતાનું રાજીનામું આપી દીધુ છે. ઈન્ફોસિસ કંપનીએ શેર બજારને મોકલેલી સૂચનામાં જણાવ્યુ છે કે, રવિ કુમાર એસ એ રાજીનામું આપ્યુ છે. નિદેશક મંડળે તેમના કંપનીમાં આપેલા યોગદાનની સરાહના કરી છે.
રવિ કુમાર લાંબા સમયથી આ કંપની સાથે જોડાયેલા હતા. તેમણે કંપનીના વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યુ હતુ. તેમના અચાનક આપેલા રાજીનામાંથી કંપનીના કર્મચારીઓથી લઈને આઈટી જગત આશ્ચર્યમાં મુકાયુ હતુ. ચાલો જાણીએ રવિ કુમાર વિશે વધુ માહિતી.
રવિ કુમાર ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં એક પરમાણુ વૈજ્ઞાનિક રુપે પોતાની કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2002માં ઈન્ફોસિસ કંપનીમાં જોડાયા હતા. વર્ષ 2016માં તેઓ ઈન્ફોસિસ કંપનીના અધ્યક્ષ પદે નિયુક્ત થયા હતા. અધ્યક્ષના રુપમાં તેમણે ઈન્ફોસિસને લગભગ દરેક ક્ષેત્રમાં આગળ પહોંચાડ્યુ. વર્ષ 2021-22ના રિપોર્ટ અનુસાર, રવિ કુમાર કંપનીના ત્રીજા સૌથી વધારે સેલરી મેળવતા સીનિયર કર્મચારી હતા. તેમનાથી વધારે સેલરી સીઈઓ સલિલ પારિખ અને પૂર્વ સીઓઓ યૂબી પ્રવીણ રાવની હતી. ઈન્ફોસિસ કંપની આ 13 તારીખે બીજા ત્રીમાસિકના પરિણામ જાહેર કરવાની છે.
ઇન્ફોસિસ કંપની એ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની છે. જે બિઝનેસ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીની સ્થાપના પૂણેમાં કરવામાં આવી હતી અને તેનુ મુખ્ય મથક બેંગ્લોરમાં છે. ફોર્બ્સ ગ્લોબલ 2000 રેન્કિંગ અનુસાર, 2020ની આવકના આંકડામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ પછી ઇન્ફોસિસ બીજી સૌથી મોટી ભારતીય IT કંપની છે અને વિશ્વની 602મી સૌથી મોટી જાહેર કંપની છે.24 ઓગસ્ટ 2021ના રોજ ઈન્ફોસિસ માર્કેટ કેપિટલાઇઝેશનમાં $100 બિલિયનને પાર કરનારી ચોથી ભારતીય કંપની બની. ઈન્ફોસિસની સ્થાપના પૂણે, મહારાષ્ટ્ર, ભારતના સાત ઇજનેરોએ કરી હતી. તે 2 જુલાઈ 1981ના રોજ ઈન્ફોસિસ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ તરીકે નોંધાયેલું હતુ. વર્ષ 1983 માં તે બેંગ્લોર, કર્ણાટકમાં સ્થળાંતર થયુ.