Gold Hallmarking : સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, હવે ID ના સ્થાને લાયસન્સ નંબર દેખાશે
ભારતીય માનક બ્યુરોએ BIS કેર એપમાંથી જ્વેલર્સનું નામ હટાવવાનો નિર્ણય લીધો છે. નવા ફેરફાર પછી, હવે BIS કેરમાં 6-અંકનો HUID નંબર દાખલ કરવા પર, જ્વેલર્સનો લાઇસન્સ નંબર, હોલમાર્કિંગ સેન્ટરનું નામ, નોંધણી નંબર, સરનામું, ઘરેણાંનો પ્રકાર, હોલમાર્કિંગની તારીખ અને સોનાની શુદ્ધતા દેખાશે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના દાગીનાના હોલમાર્કિંગ(Hallmarking)ને લઈને મોટો ફેરફાર કર્યો છે. જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવતી સતત માંગને ધ્યાનમાં રાખીને BISએ આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે BIS કેર એપમાં 6-અંકનો હોલમાર્કિંગ આઈડી નંબર દાખલ કરવા પર,હોલમાર્કિંગ કરનાર જ્વેલરનું નામ દેખાશે નહીં પરંતુ તેના બદલે તેનો લાઇસન્સ નંબર દેખાશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે.જ્વેલર્સ એસોસિએશન્સ દ્વારા સતત ફેરફારોની માંગણીઓને લઈને ભારતીય માનક બ્યુરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
1 એપ્રિલ, 2023 થી દેશના 288 જિલ્લાઓમાં સોનાના આભૂષણો પર 6-અંકનું હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે. હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) દાખલ કર્યા પછી બીઆઈએસ કેર એપ્લિકેશનમાં આઈડી નંબર દાખલ કરીને તે જ્વેલરી અને જ્વેલર વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.
જ્વેલર્સ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા
આ નિયમ લાગુ થયા બાદથી જ્વેલર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વાસ્તવમાં, જ્વેલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે જ્યારે ગ્રાહક નાના અને છૂટક જ્વેલર્સ પાસેથી જ્વેલરી ખરીદે છે, ત્યારે તેનું નામ તે જ્વેલરી પર હોલમાર્કિંગમાં દેખાતું નથી. આનાથી ગ્રાહકોમાં વિશ્વાસની કટોકટી સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં નાના જ્વેલર્સને બદલે ગ્રાહકો મોટા સેલર્સ તરફ વધુ વળ્યા છે.
નાના-છૂટક વેપારીઓના વેપાર પર અસર
જ્યારે ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી માટે સીધા જ હોલસેલર્સ અથવા મોટા ઉત્પાદકો સુધી પહોંચે છે, તો તેના કારણે નાના અને છૂટક ઝવેરીઓના વ્યવસાયને ખરાબ અસર થાય છે. આનું કારણ એ છે કે ઘણા નાના અને છૂટક ઝવેરીઓ તેમની દુકાન માટે મોટા ઉત્પાદકો પાસેથી માલ ખરીદે છે અને તેમના દ્વારા ખરીદેલી જ્વેલરી પર તે ઉત્પાદકોનું નામ દેખાય છે. આવી સ્થિતિમાં નાના વેપારીઓ દાગીના વેચે છે તો તેમનું નામ જ દેખાતું નથી. ગયા મહિને જ્વેલર્સ એસોસિએશને આ અંગે ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ સાથેની બેઠકમાં તેમની સમસ્યા રજૂ કરી હતી.
આ વિગત BIS કેર પર ઉપલબ્ધ થશે
આ પછી ભારતીય માનક બ્યુરોએ BIS કેર એપમાંથી જ્વેલર્સનું નામ હટાવવાનો નિર્ણય લીધો છે. નવા ફેરફાર પછી, હવે BIS કેરમાં 6-અંકનો HUID નંબર દાખલ કરવા પર, જ્વેલર્સનો લાઇસન્સ નંબર, હોલમાર્કિંગ સેન્ટરનું નામ, નોંધણી નંબર, સરનામું, ઘરેણાંનો પ્રકાર, હોલમાર્કિંગની તારીખ અને સોનાની શુદ્ધતા દેખાશે. એટલે કે જ્વેલરના નામ સિવાય તમને જ્વેલરી સંબંધિત અન્ય તમામ વિગતો જોવા અને જાણવા મળશે.