Breaking News: તેલ-ગેસ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર! વેદાંતા કંપનીએ નક્કી કર્યો દરરોજ 5 લાખ બેરલ ઉત્પાદનનો મોટો ટાર્ગેટ
ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું અંદાજે 90% ક્રૂડ ઓઈલ અને ગેસ વિદેશોમાંથી આયાત કરે છે, જેના કારણે દેશની તિજોરી પર મોટો બોજ પડે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે વેદાંતા કંપની એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કંપની કઈ આધુનિક ટેકનોલોજી અને પ્રોડક્શન ટાર્ગેટ દ્વારા ભારતના ઉર્જા સેક્ટરની કાયાપલટ કરવા જઈ રહી છે,

ભારતને તેલ અને ગેસના મામલામાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં વેદાંતા કંપનીએ મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે તે આગામી સમયમાં દરરોજ 5 લાખ બેરલ તેલ અને ગેસનું ઉત્પાદન કરવા માંગે છે. કંપનીનું માનવું છે કે આનાથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વિદેશોમાંથી તેલ-ગેસ ખરીદવાની નિર્ભરતા ઓછી થશે.
આ સમયે ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે 90% ક્રૂડ ઓઈલ અને ગેસ વિદેશોમાંથી આયાત કરે છે. આનો અર્થ એ થાય છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધે છે અથવા સપ્લાયમાં કોઈ અડચણ આવે છે, તો તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.
ભારત પાસે તેલ અને ગેસનો મોટો ભંડાર
વેદાંતાના જણાવ્યા અનુસાર ભારત પાસે તેલ અને ગેસના મોટા ભંડારો ઉપલબ્ધ છે. દેશમાં અંદાજે 300 અબજ બેરલની સમકક્ષ હાઇડ્રોકાર્બન સંસાધનોની સંભાવના રહેલી છે. જો આ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો જાતે જ પૂરો કરી શકે છે.
કંપનીએ ઉમેર્યું કે તેની ‘વેદાંત ઓઈલ એન્ડ ગેસ કેઈર્ન યુનિટ’ (Vedanta Oil & Gas Cairn Unit) આધુનિક ટેકનોલોજીની મદદથી નવા તેલ અને ગેસના ભંડારો શોધવા અને જૂના ક્ષેત્રોમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ માટે એડવાન્સ ટેકનોલોજી અને બહેતર ઓઈલ રિકવરી તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે.
અનિલ અગ્રવાલ શું બોલ્યા?
વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત માટે ઉર્જાના મામલામાં આત્મનિર્ભર બનવું એ માત્ર એક સપનું નથી, પરંતુ આર્થિક દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે. તેમનું કહેવું છે કે દેશમાં જેટલું વધારે તેલ અને ગેસનું ઉત્પાદન થશે, એટલી જ ઓછી આયાત કરવી પડશે. આનાથી ફોરેન કરન્સીની બચત થશે, અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને દેશ વૈશ્વિક સંકટોનો વધુ સારી રીતે સામનો કરી શકશે. તેમણે એ પણ ઉમેર્યું કે ભારત પાસે કુદરતી સંસાધનોની કોઈ કમી નથી. સાથે જ દેશમાં કુશળ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને તકનીકી નિષ્ણાતો પણ મોટી સંખ્યામાં હાજર છે, જેઓ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઊંડા સમુદ્રમાં હજુ શોધ બાકી છે
વેદાંતાના જણાવ્યા અનુસાર, ભારતમાં એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં હજુ સુધી તેલ અને ગેસની સંપૂર્ણ શોધ કરવામાં આવી નથી. ખાસ કરીને ઊંડા સમુદ્ર (ડીપ વોટર) અને અતિ ઊંડા સમુદ્રવાળા વિસ્તારોમાં હજુ પણ મોટી તકો રહેલી છે. સરકારે પણ આ દિશામાં નક્કર પગલાં લીધાં છે. ‘નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન’ (સમુદ્ર મંથન) હેઠળ ઘણા એવા દરિયાઈ વિસ્તારોને શોધ અને ઉત્પાદન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જ્યાં પહેલાં કામ કરવાની મંજૂરી નહોતી. સરકારનો લક્ષ્યાંક આ દાયકાના અંત સુધીમાં ઉર્જા ક્ષેત્રે અંદાજે 500 અબજ ડોલરના રોકાણને આકર્ષિત કરવાનો છે.
અહીં કામ કરી રહી છે વેદાંત
વેદાંતનું માનવું છે કે ભારતને લાંબા સમય સુધી ઉર્જાના મામલામાં આત્મનિર્ભર બનાવવા માટે સરકાર, ઉદ્યોગો, સાહસિકો અને નવી ટેકનોલોજી વિકસાવતી કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે. હાલમાં ‘Vedanta Oil & Gas’ પાસે રાજસ્થાન, ગુજરાત, આસામ અને આંધ્રપ્રદેશમાં 44 ઓનશોર (જમીન પરના) અને ઓફશોર (દરિયાઈ) બ્લોક છે. આ બ્લોક્સ અંદાજે 47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે, જ્યાં પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના તેલ અને ગેસ સંસાધનોની શોધ અને ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે.
