આગામી સપ્તાહમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેર પર નજર, આ સમાચારની થશે અસર?
અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ત્રિમાસિક પરિણામો આ સપ્તાહે આવવાના છે. ક્વાર્ટરના પરિણામોની અસર અદાણી એન્ટરપ્રાઈઝના શેર પર પણ થવાની ધારણા છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ સંકટમાં ઘેરાયેલા ગૌતમ અદાણી ગ્રુપ માટે આગામી સપ્તાહ નિર્ણાયક બનવાનું છે. અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ત્રિમાસિક પરિણામો આ સપ્તાહે આવવાના છે. ક્વાર્ટરના પરિણામોની અસર અદાણી એન્ટરપ્રાઈઝના શેર પર પણ થવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત 12 ટ્રેડિંગ દિવસોમાં ₹3450 થી ઘટીને ₹1800 ના સ્તર પર આવી ગઈ છે.
શુક્રવારે BSE ઇન્ડેક્સ પર શેર રૂ. 1847.35 પર બંધ થયો હતો. શેર 4.15% ના ઘટાડા સાથે બંધ થયો. 3 ફેબ્રુઆરીએ શેરની કિંમત 1017 રૂપિયા થઈ ગઈ હતી, જે 52 સપ્તાહની નીચી સપાટી છે. તાજેતરમાં, અદાણી એન્ટરપ્રાઇઝનો રૂ. 20,000 કરોડનો એફપીઓ લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, ગ્રુપે એફપીઓ પણ પાછો ખેંચી લીધો છે અને રોકાણકારોના પૈસા પરત કરવાની વાત પણ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ શેરબજારનું નિયમન કરતી સેબી એફપીઓના રોકાણકારો અને અદાણી જૂથની લિંકની પણ તપાસ કરી રહી છે.
આ સમાચારની અસર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકમ SBICAP એ જણાવ્યું છે કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીએ તેની સાથે તેમના શેર ગીરવે મૂક્યા છે. તેની અસર અદાણી એન્ટરપ્રાઇઝના શેર પર પણ પડી શકે છે.
રિપોર્ટના કારણે અદાણીને મોટું નુકસાન થયું છે
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું કોર્પોરેટ સામ્રાજ્ય ખરાબ રીતે ગૂંચવાયું છે. અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ SEZ સહિત અદાણી ગ્રુપની 10 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 117 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
આ કારણે ગૌતમ અદાણીને લોન માટે પોતાના શેર ગીરવે રાખવાની ફરજ પડી હતી. હિન્ડેનબર્ગ રિસર્ચનો આરોપ છે કે ટેક્સ હેવન્સમાં અદાણી પરિવાર દ્વારા નિયંત્રિત ઓફશોર શેલ કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ અને કરચોરી માટે કરવામાં આવ્યો હતો.
કાનૂની કાર્યવાહીની ચીમકી
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો માટે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ તેમના શેર ડમ્પ કર્યા છે. હિંડનબર્ગ રિસર્ચએ ખંડન કરતાં કહ્યું કે તે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકારશે.