Bhai Beej: શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજ ? જાણો તેના સાથે જોડાયેલી કથા
ભાઈ બીજનો (Bhai Dooj) તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે. આ દિવસે, બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નારિયેળ પણ આપે છે.
દર વર્ષે ભાઈ બીજ (Bhai Beej) કારતક મહિનાના સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ પાંચ દિવસીય દિવાળી તહેવારનો અંત પણ દર્શાવે છે. ભાઈ બીજનો (Bhai Dooj) તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ-બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે. આ દિવસે, બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નારિયેળ પણ આપે છે. આ પછી ભાઈ તેની બહેનને પ્રેમના રૂપમાં ભેટ આપે છે.
એવું કહેવાય છે કે ભાઈ બીજનો ઈતિહાસ યમરાજ અને તેની બહેન યમુના સાથે જોડાયેલો છે. આ કારણથી આ તહેવારને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજનો આ તહેવાર દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. અહીં જાણો કેવી રીતે આ તહેવારની શરૂઆત થઈ હતી.
યમુનાએ કરી હતી તિલકની શરૂઆત
જ્યોતિષી ડો.અરવિંદ મિશ્રા કહે છે કે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની શરૂઆત યમુના મૈયાએ કરી હતી. દંતકથા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં. યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા. પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા.
તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી. યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી. જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું.
તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે તેમને મળવા આવશો. આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે, તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે. યમુનાની વાત સાંભળીને યમરાજ કહ્યુ તથાસ્તું. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.