Bhakti : શા માટે દેવીદેવતાઓને અર્પણ કરવામાં આવે છે પુષ્પ ? જાણો પુષ્પથી પૂજનનો શાસ્ત્રોક્ત મહિમા

દેવતાઓ રત્ન, સુવર્ણ, દ્રવ્ય, વ્રત, તપસ્યા અથવા અન્ય કોઈપણ વસ્તુથી એટલાં પ્રસન્ન નથી થતાં જેટલાં તે પુષ્પ અર્પણ કરવા માત્રથી થઈ જાય છે. પુષ્પ પાપોનો નાશ કરે છે અને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે.

Bhakti : શા માટે દેવીદેવતાઓને અર્પણ કરવામાં આવે છે પુષ્પ ? જાણો પુષ્પથી પૂજનનો શાસ્ત્રોક્ત મહિમા
પૂજામાં પુષ્પનો મહિમા

પુષ્પનો (flower) તો રંગ માત્ર નેત્રને જ નહીં ચિત્તને પણ પ્રસન્નતાથી ભરી દે છે. અને તેની સુગંધ અચેતન મનને પણ પરમ ચેતનાની અનુભતિ કરાવે છે. કદાચ તેના આ ગુણને લીધે જ પુષ્પ સદૈવથી જ જીવમાત્રના હૃદયની નજીક રહ્યા છે. અને સાથે જ દેવીદેવતાઓને અત્યંત પ્રિય પણ રહ્યા છે. આપણે જ્યારે પણ આપણાં આરાધ્યની આસ્થા સાથે પૂજા કરીએ છીએ ત્યારે તેમને પુષ્પ અર્પણ કરીએ જ છીએ. ત્યારે આવો, આજે જાણીએ કે આ પુષ્પ દ્વારા પૂજનનો શાસ્ત્રોક્ત મહિમા શું છે.

શાસ્ત્રોમાં પુષ્પની મહત્તા વર્ણવતા નીચે અનુસાર ઉલ્લેખ મળે છે.
પુષ્પૈર્દેવા પ્રસીદન્તિ પુષ્પૈ દેવાશ્ય સંસ્થિતા ।
ન રત્નૈર્ન સુવર્ણેન ન વિત્તેન ચ ભૂરિણા ।
તથા પ્રસાદમાયાતિ યથા પુષ્પૈર્જનાર્દન ।।

અર્થાત્, દેવતાઓ રત્ન, સુવર્ણ, દ્રવ્ય, વ્રત, તપસ્યા અથવા અન્ય કોઈપણ વસ્તુથી એટલાં પ્રસન્ન નથી થતાં જેટલાં તે પુષ્પ અર્પણ કરવા માત્રથી થઈ જાય છે !

તો સનાતન ધર્મમાં પુષ્પની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે, “દૈવસ્ય મસ્તકં કુર્યાત્કુસુમોપહિતં સદા । “ એટલે કે, દેવતાઓનું મસ્તક સદૈવ પુષ્પથી સુશોભિત રહેવું જોઈએ ! એ જ કારણ છે કે ભક્તો સદૈવ આસ્થા સાથે દેવી-દેવતાઓને ફૂલ અર્પણ કરતા જ હોય છે. એક માન્યતા અનુસાર પૂજામાં પુષ્પનો ઉપયોગ કરવાથી પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય છે.

કુલાર્ણવ તંત્ર અનુસાર પુષ્પ પાપોનો નાશ કરે છે. તે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે. અને એટલે જ તે પુષ્પ નામે ઓળખાય છે ! પુરાણોમાં વર્ણન અનુસાર પુષ્પ તો આદિકાળથી દેવી-દેવતોનો પ્રાકૃતિક શ્રૃંગાર રહ્યા છે. પુષ્પથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ભાવનાનો સંચાર થાય છે. તે મનુષ્યની શ્રદ્ધા અને ભાવનાનું પ્રતિક છે. એટલું જ નહીં, પુષ્પના વિવિધ રંગ અને વિવિધ સુગંધ ભિન્ન-ભિન્ન પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે. અને તે જ રીતે ભિન્ન-ભિન્ન પુષ્પ દેવી-દેવતાઓને અર્પણ કરવાથી તે વિવિધ કામનાઓની પૂર્તિ પણ કરે છે.

માન્યતા અનુસાર દેવી-દેવતાઓને તેમનું પ્રિય પુષ્પ અર્પણ કરવાથી તે ભક્તના દુર્ભાગ્યને હરી લે છે. અને સાથે જ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. એ જ કારણ છે કે બીજું કશું જ ન થઈ શકે તો પણ ભક્તો દેવીદેવતાઓને આસ્થાથી પુષ્પ તો અર્પણ કરતા જ હોય છે. પરંતુ, આ પુષ્પ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે.

શું રાખશો ધ્યાન ?
1. દેવી-દેવતાને અર્પણ થતા ફૂલ તાજા જ હોવા જોઈએ.
2. ભૂલથી પણ પરમાત્માને વાસી ફૂલ અર્પણ ન કરવા.
3. પૂજામાં અર્પણ થતાં ફૂલ બપોરે 12 વાગ્યા પછી તોડેલા ન જ હોવા જોઈએ !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ

આ પણ વાંચોઃ જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

Click on your DTH Provider to Add TV9 Gujarati