Bhakti: વિવિધ દેવીદેવતાને નૈવેદ્યમાં શું કરવું જોઈએ અર્પણ ? જાણો દેવીદેવતાઓનો અત્યંત પ્રિય પ્રસાદ
જ્યારે આસ્થા સાથે પ્રભુને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે અત્યંત પ્રસન્ન થાય છે. અને એમાં પણ જો તે પ્રસાદ દેવી કે દેવતાનો સૌથી વધુ પ્રિય હોય તો તે તૃપ્ત થઈ જાય છે. તૃપ્ત દેવતા ભક્તની કામના પૂર્ણ કરી તેને પણ તૃપ્ત કરી દે છે.
કોઈપણ દેવીદેવતાને (deities) પ્રસન્ન કરવામાં જેટલું મહત્વ પૂજન, અર્ચન અને આરતીનું છે, તેટલું જ મહત્વ તો દેવી-દેવતાને અર્પણ થતાં પ્રસાદનું (prasad) પણ છે. પ્રસાદને આપણે ભોગ કે નૈવેદ્ય પણ કહીએ છીએ. કહે છે કે જ્યારે આસ્થા સાથે પ્રભુને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ત્યારે તે અત્યંત પ્રસન્ન થાય છે. અને એમાં પણ જો તે પ્રસાદ દેવી કે દેવતાનો સૌથી વધુ પ્રિય હોય તો તે તૃપ્ત થઈ સવિશેષ કૃપાની પ્રાપ્તિ પણ કરાવે છે.
મોટાભાગે શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે પ્રભુને મીઠી વાનગી અર્પણ કરતા હોય છે. પણ, જો તમે કોઈ ખાસ સંકલ્પ સાથે કે ફળ પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા હોવ, અને કોઈ વિશેષ દેવી-દેવતાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તો તેમને પ્રિય હોય તેવું જ નૈવેદ્ય અર્પણ કરો. કહે છે કે તેનાથી દેવી-દેવતા સ્વયં તૃપ્ત થશે. અને તૃપ્ત દેવતા ભક્તને પણ કામનાપૂર્તિના આશિષ પ્રદાન કરી તૃપ્ત કરશે. આવો, જાણીએ કે કયા દેવી-દેવતાને નૈવેદ્યમાં શું અર્પણ કરવું જોઈએ.
શ્રીગણેશ ગજાનન શ્રીગણેશજી તો લડ્ડુપ્રિય છે અને મોટાભાગે આ વાત સૌ કોઈ જાણે છે. એટલે શ્રીગણેશને પ્રસાદમાં ચુરમા લાડુ, મોદકના લાડુ કે બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. આ સિવાય વક્રતુંડને શેરડી, જાંબુ તેમજ ગોળ પણ અત્યંત પ્રિય મનાય છે.
મહાદેવ દેવાધિદેવ મહાદેવને ભાંગ તેમજ પંચામૃત પ્રસાદ તરીકે અર્પણ કરી શકાય છે. તો સાથે જ ગોળ, ચણા પણ તેમને પસંદ હોવાની લોકવાયકા છે. કહે છે કે જો સોમવાર, શ્રાવણ માસ કે શિવરાત્રીના અવસર પર મહાદેવને ચારોળી મિશ્રીત દૂધ નૈવેદ્યના રૂપે અર્પણ કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે. અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.
શ્રીવિષ્ણુ શ્રીહરિ વિષ્ણુને દ્રાક્ષ અત્યંત પ્રિય મનાય છે. એટલે તેમને નૈવેદ્યમાં લીલી કે સૂકી દ્રાક્ષ અર્પણ કરવી. આ સાથે જ સૂકોમેવો નાંખેલી ખીર પણ શ્રીવિષ્ણુને ખૂબ જ પસંદ હોવાની માન્યતા છે. પરંતુ, શ્રીહરિને ભોગ લગાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે હંમેશા તુલસીપત્ર સાથે જ પ્રભુને નૈવેદ્ય અર્પણ કરો.
શ્રીકૃષ્ણ રસપ્રિય શ્રીકૃષ્ણ માટે તો તેમના ભક્તો 56 ભોગ પીરસી દેતા હોય છે. પણ, કહે છે કે ગમે તેવાં 56 ભોગ પણ માખણ અને મીસરી વિના અધૂરાં છે. એટલે કે લડ્ડુ ગોપાલ હોય, બાળ ગોપાલ હોય કે પછી શ્રીકૃષ્ણનું રાધા સાથેનું જ સ્વરૂપ કેમ ન હોય, તેમને નૈવેદ્ય અર્પણ કરતી વખતે માખણ અને મીસરી જરૂર અર્પણ કરવા.
શ્રીરામજી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજીને કેસર મિશ્રીત ખીર પ્રિય મનાય છે. તો સાથે જ તેમને કલાકંદનો પ્રસાદ અર્પણ કરવાથી પણ તે પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.
કષ્ટભંજન હનુમાન હનુમાનજીને હલવો, ગોળથી બનેલા લાડુ તેમજ લાલ અને તાજા ફળ પ્રિય મનાય છે. ઉલ્લેખનીય છે કે પવનસુતને પણ પ્રસાદમાં તુલસીદળ ખાસ અર્પણ કરવું જોઈએ.
દેવી લક્ષ્મી લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. આપણાં શાસ્ત્રોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની મહત્તા વર્ણવાઈ છે. એટલે કે ‘અર્થ’ વિના બધુ જ વ્યર્થ છે. તેથી લક્ષ્મીને પ્રસન્ન કરવા તેમને સફેદ અથવા તો પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એમાં પણ આ મિષ્ટાન કોઈ લક્ષ્મી મંદિરમાં જઈને અર્પણ કરવાથી સવિશેષ ફળની પ્રાપ્તિની માન્યતા છે.
દેવી દુર્ગા માતા દુર્ગાને શક્તિની દેવી માનવામાં આવે છે. દેવી દુર્ગાને નૈવેદ્ય રૂપે ખીર, માલપુઆ, હલવો, કેળા, નારિયેળ કે શીરો અર્પણ કરી શકાય છે. કહે છે કે બુધવાર કે શુક્રવારના રોજ શુદ્ધ થઈને માતાજીના મંદિરમાં જઇ તેમને ભોગ અર્પણ કરવો. તેનાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
દેવી સરસ્વતી માતા સરસ્વતીને દૂધ, પંચામૃત, દહીં, માખણ તેમજ સફેદ તલના લાડુ પસંદ છે. કહે છે કે શ્વેતરંગના નૈવેદ્યથી જ દેવી તૃપ્ત થાય છે.
માતા કાલિકા દેવી કાલીને નૈવેદ્યમાં શીરો પૂરી અર્પણ કરવા જોઈએ. આ સિવાય માતા કાલિકા તો લાલ રંગની મીઠાઈથી પણ તૃપ્ત થતા હોવાની માન્યતા છે. ઉલ્લેખનીય છે કે કાળ ભૈરવને પણ આ જ પ્રકારનો ભોગ અર્પણ કરી શકાય.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા શનિવારે કરો આ 5 ઉપાય, તમારી બધી સમસ્યાઓ થશે દૂર
આ પણ વાંચોઃ હિંદુ ધર્મમાં આ વૃક્ષ અને છોડ ખૂબ જ પવિત્ર મનાય છે, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ અને મહિમા