શા માટે કાશીના કાળ ભૈરવના દર્શનનો છે સવિશેષ મહિમા ? જાણો ભૈરવના પ્રાગટ્યની કથા

TV9 Bhakti

TV9 Bhakti | Edited By: Bipin Prajapati

Updated on: Nov 16, 2022 | 7:53 AM

કારતક માસના વદ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ (Bhairav) જયંતી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તે શિવજીનો પાંચમો અવતાર મનાય છે.

શા માટે કાશીના કાળ ભૈરવના દર્શનનો છે સવિશેષ મહિમા ? જાણો ભૈરવના પ્રાગટ્યની કથા
Kaal Bhairav, Kashi

આમ તો ભૈરવનું નામ બોલતા જ રુદ્રાવતારનું અત્યંત ભયંકર અને ઉગ્ર રૂપ ભક્તોના નેત્રોની સમક્ષ ઉભું થઈ જતું હોય છે. પરંતુ, વાસ્તવમાં મહેશ્વરનો કાળ ભૈરવ અવતાર એ તો ભક્તોના સઘળા કષ્ટને નષ્ટ કરનારો અવતાર છે. પણ, શું તમે એ જાણો છો કે મહાદેવના આ ભૈરવ અવતારનું પ્રાગટ્ય કેવી રીતે થયું ? આખરે, એવું કયું કારણ હતું કે જેને લીધે શિવજીના આ અત્યંત ઉગ્ર સ્વરૂપે અવતરણ કરવું પડ્યું ? આવો, આજે તે જ વિશે માહિતી મેળવીએ. અને એ પણ જાણીએ કે કાળ ભૈરવના આટલાં બધાં મંદિર હોવા છતાં, કાશીમાં તેમના દર્શનની વિશેષ મહત્તા શા માટે છે ?

ભૈરવ જયંતી

કારતક માસના વદ પક્ષની અષ્ટમી તિથિને ભૈરવ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ અષ્ટમી તિથિએ જ મહાકાળ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તે શિવજીનો પાંચમો અવતાર મનાય છે. કહે છે કે મહાદેવના ભયંકર ક્રોધમાંથી તેમના આ ભૈરવ રૂપનું પ્રાગટ્ય થયું હતું.

કાળ ભૈરવ પ્રાગટ્ય

ભૈરવના પ્રાગટ્ય સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર પૂર્વકાળમાં બ્રહ્માજીને ચાર નહીં, પરંતુ, પાંચ મસ્તક હતા. કહે છે કે એકવાર બ્રહ્માજી અને શ્રીવિષ્ણુ વચ્ચે એ મુદ્દે વિવાદ છેડાઈ ગયો કે તે બંન્નેમાંથી શ્રેષ્ઠ કોણ છે ? તે સમયે વેદ-શાસ્ત્રોએ સ્વયં દેવાધિદેવના સર્વશ્રેષ્ઠ હોવાની સાક્ષી પૂરી. એકતરફ જ્યાં શ્રીહરિએ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, ત્યાં બીજી તરફ આ વાત સાંભળતા જ બ્રહ્માજીના એક મુખે વેદનિંદા અને શિવનિંદા કરવાનું શરૂ કરી દીધું. ઘણાં સમય સુધી જ્યારે તે બ્રહ્મમુખ શાંત ન થયું ત્યારે દેવાધિદેવ મહાદેવનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. અને ક્રોધિત થયેલાં મહેશ્વરની ભૃકુટીમાંથી કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ.

પ્રાગટ્ય સાથે જ તે મહા કાળ ભૈરવે તેમના ડાબા હાથની ટચલી આંગળીના નખથી બ્રહ્માજીના અપશબ્દ બોલી રહેલાં પાંચમા મસ્તકને છેદી કાઢ્યું. દંતકથા અનુસાર બ્રહ્માજીના મસ્તક છેદનથી કાળ ભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. અને તે મસ્તક તેમના હાથમાં જ ચોંટી ગયું. આ ઘટનાને લીધે ભૈરવનો ક્રોધ વધુ ઉગ્ર બન્યો. ભૈરવના ક્રોધને શાંત કરવા અને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ અપાવવા મહાદેવે તેમને સમસ્ત તીર્થોના ભ્રમણની આજ્ઞા આપી.

કાશીમાં મુક્તિ !

કાળ ભૈરવે સમસ્ત તીર્થોનું ભ્રમણ શરૂ કર્યું. તેઓ ઘણું ફર્યા પરંતુ, તેમને ક્યાંય શાંતિ ન મળી. અંતે તેઓ કાશી પહોંચ્યા. કાળ ભૈરવે કાશીમાં પ્રવેશ કર્યો. પરંતુ, તેમને લાગેલું બ્રહ્મહત્યાનું પાપ કાશીની ધરા પર પ્રવેશ ન કરી શક્યું. અને આખરે બ્રહ્માજીનું મસ્તક તેમના હાથમાંથી છૂટું પડી ગયું. આમ તો, સમગ્ર ભારતમાં ભૈરવના અનેકવિધ સ્થાનકો વિદ્યમાન છે. પરંતુ, કાશી નગરમાં સ્વયં ભૈરવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી હોઈ અહીં તેમના દર્શનની સવિશેષ મહત્તા છે. કાળ ભૈરવ એ કાશીમાં કાશીના કોતવાલ તરીકે પૂજાય છે. કહે છે કે તેમના દર્શન વિના તો કાશી વિશ્વનાથના દર્શનની યાત્રા પણ અપૂર્ણ રહી જાય છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati