હોળીના અવસર પર કોની-કોની કરશો આરાધના ? જાણો, ધૂલિ વંદનની રસપ્રદ પ્રથા

TV9 Bhakti

|

Updated on: Mar 03, 2023 | 6:34 AM

હોળીના (Holi) અવસર પર ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાનની પૂજા કરવાની પ્રથા પ્રચલિત છે. કારણ કે, પ્રહ્લાદને મરાવવાના પ્રયાસમાં જ્યારે હિરણ્યકશિપુ નિષ્ફળ ગયો ત્યારે તે પોતે જ પુત્રને મારવા આગળ ધસ્યો. તે સમયે શ્રીવિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહ્લાદનો જીવ બચાવ્યો હતો.

હોળીના અવસર પર કોની-કોની કરશો આરાધના ? જાણો, ધૂલિ વંદનની રસપ્રદ પ્રથા

Follow us on

ફાગણી પૂર્ણિમાના દિવસને આપણે હોળીના પર્વ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે પ્રગટ હોળીની એટલે કે પ્રજ્વલિત અગ્નિની પૂજાનો મહિમા છે. પરંતુ, ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કેટલાંક ખાસ દેવી-દેવતાઓની આરાધનાનો પણ સવિશેષ મહિમા છે. કહે છે કે હોળીના દિવસે કેટલીક ખાસ ઉપાસના કરવાથી વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે, આવો જાણીએ કે આ દિવસે બીજા કોની-કોની પૂજા કરવી જોઈએ.

લક્ષ્મીનારાયણની પૂજા

હોળીના અવસર પર લક્ષ્મીનારાયણની એકસાથે પૂજા કરવામાં આવે છે. કહે છે કે તેનાથી ઘરમાં ધન-સમૃદ્ધિ અકબંધ રહે છે. આ દિવસે ખાસ મહાલક્ષ્મી મંદિરમાં જઇને દેવીને કમળના પુષ્પ અને ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ.

શ્રીકૃષ્ણની પૂજા

હોળીનો પર્વ શ્રીકૃષ્ણ સાથે પણ જોડાયેલ છે. તેને વ્રજમાં ફાગ ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. કહે છે કે શ્રીકૃષ્ણએ રંગપંચમીના દિવસે રાધાજી પર રંગ નાંખ્યો હતો તેની યાદમાં રંગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણની અષ્ટપ્રહરની પૂજા કરવામાં આવે છે તેમજ તેમને ભોગ અર્પણ કરવામાં આવે છે.

શ્રીરાધા

શ્રીરાધાના બરસાનામાં હોળીની ધૂમ તો ફાગણ માસના પ્રારંભ સાથે જ શરૂ થઈ જાય છે. અહીંયા 45 દિવસો સુધી હોળીનો ઉત્સવ ઉજવાય છે. આ દરમ્યાન રાધારાણીને વિશેષ શણગાર કરવાની સાથે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રીરાધાની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારના સુખ, શાંતિ, પ્રેમ અને સંબંધ અકબંધ રહે છે.

નૃસિંહ ભગવાનની પૂજા

હોળીના અવસર પર ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાનની પૂજા કરવાની પ્રથા પ્રચલિત છે. કારણ કે, પ્રહ્લાદને મરાવવાના પ્રયાસમાં જ્યારે હિરણ્યકશિપુ નિષ્ફળ ગયો ત્યારે તે પોતે જ પુત્રને મારવા આગળ ધસ્યો. તે સમયે શ્રીવિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહ્લાદનો જીવ બચાવ્યો હતો. એટલે, ફાગણી પૂર્ણિમાના અવસરે નૃસિંહના ચિત્ર કે મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

મહાદેવની પૂજા

હોળીનો તહેવાર ભગવાન શિવ સાથે પણ સંકળાયેલો છે. એક કથા અનુસાર ભગવાન શિવે આ જ દિવસે કામદેવને તેમના ક્રોધાગ્નિથી ભસ્મીભૂત કર્યા હતા. પણ, પછી તેમણે કામદેવની પત્ની રતિના રુદનથી દ્રવિત થઈ તેને વરદાન આપ્યું હતું કે તેનો પતિ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના રૂપમાં જન્મ લેશે. એ જ કારણે છે કે આ દિવસે શિવ મંદિરમાં ઘીનો દીવો પ્રજવલિત કરીને મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. અને તેમના આશિષની પ્રાપ્તિ કરવામાં આવે છે.

કામદેવ

જો તમે લગ્નજીવનમાં સુખ, શાંતિ અને પ્રેમની કામના રાખતા હોવ તો આ દિવસે રતિની સાથે કામદેવની પૂજા કરવી જોઇએ. માન્યતા અનુસાર કામદેવ અને રતિના ચિત્રની પૂજા કરવાથી લગ્નજીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

હનુમાન પૂજા

માન્યતા અનુસાર ફાગણી પૂનમે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. હોળીના અવસર પર હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનો સવિશેષ મહિમા રહેલો છે.

અગ્નિ દેવની પૂજા

હોળિકા દહનની કથા અનુસાર હોળિકાને આગમાં ન બળવાનું વરદાન હતું. હિરણ્યકશિપુના કહેવાથી તે પ્રહ્લાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી. પણ, તે પોતે જ ભસ્મ થઈ ગઈ. પ્રહ્લાદ સુરક્ષિત રીતે આગમાંથી બહાર આવી ગયા. એટલે કે હોળી પ્રાગટ્યના રૂપમાં વાસ્તવમાં અગ્નિદેવની આરાધના કરવામાં આવે છે. અને જેમ તેમણે પ્રહ્લાદની સુરક્ષા કરી તેમ આપણી પણ સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ધૂલિ વંદન

હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટી પર ધૂલિ વંદન કરવામાં આવે છે. એક કથા અનુસાર ત્રેતાયુગના પ્રારંભમાં શ્રીવિષ્ણુએ ધૂલિ વંદન કર્યું હતું. અને તેમની યાદમાં જ ધૂળેટી ઉજવવામાં આવે છે. જેમાં લોકો એકબીજા પર ધૂળ લગાવે છે. હોળી પ્રાગટ્યના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે સવારે ઉઠીને નિત્યકર્મથી નિવૃત થઇને હોળિકાને ઠંડી કરવામાં આવે છે. એટલે કે, હોળિકા પર જળ અર્પણ કરવામાં આવે છે. રાખને પણ ધૂળ કહે છે. હોળિકાની આગથી બનેલી રાખને માથે લગાવીને રંગોથી રમવાનો પ્રારંભ કરવામાં આવે છે. આ પર્વને ધૂલિ વંદન પર્વ પણ કહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati