હોળીની રાત્રે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ ! નહીંતર, પસ્તાવાનો આવે છે વારો !
હોળીના (Holi) દિવસે નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે. જેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે યાદ રાખો, કે હોળી પ્રાગટ્ય સમયે ભૂલથી પણ ઉંઘવું ન જોઈએ.
ફાગણ સુદ પૂર્ણિમાનો અવસર એ અત્યંત શુભ અને ફળદાયી મનાય છે. આ દિવસે હોળી પ્રાગટ્ય સાથે જ હોળાષ્ટક સમાપ્ત થાય છે. આ ક્ષણે વિવિધ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેની વિધ-વિધ સમસ્યાઓથી રાહતની પ્રાપ્તિ કરી શકે છે. અલબત્, આ અત્યંત ફળદાયી દિવસે જો તમે કેટલીક બાબતો પ્રત્યે બેધ્યાનપણું રાખો છો, તો તમે મહા મુસીબતને પણ નોતરી શકો છો ! જેમ એ જાણવું જરૂરી છે કે હોળીના દિવસે શું કરવું જોઈએ, તે જ રીતે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે, કે હોળીના અવસર પર શું ભૂલથી પણ ન કરવું જોઈએ. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
શું રાખશો ધ્યાન ?
⦁ ફાગણી પૂનમનો દિવસ એ તો સ્વયં દેવતાઓને પણ અત્યંત પ્રિય છે. એટલે આ દિવસે શક્ય તેટલું પ્રભુ સ્મરણ કરવું જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ.
⦁ આ દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો. ઘરમાં પણ કંકાસ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખો.
⦁ હોળીના રોજ નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે અને તેને દૂર કરવા જ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે યાદ રાખો કે હોળી દહન સમયે ભૂલથી પણ ઉંઘવું ન જોઈએ. બીમાર કે અશક્ત વ્યક્તિને આરામની છૂટ છે. પણ, દરેક સભાન વ્યક્તિએ હોળી દહન સમયે જાગવું જ જોઈએ.
⦁ હોળી એ વર્ષની ચાર મહારાત્રીમાંથી એક છે. હોળીની રાત્રીએ કોઈ એકાંત જગ્યાએ એકલા તો બિલ્કુલ પણ ન જવું જોઈએ.
⦁ હોળીની રાત્રીએ કેટલાંક લોકો તંત્રમંત્ર પણ કરતા હોય છે. એટલે, આ દિવસે ખાસ પરિવારના કોઈપણ સભ્યનું કોઈપણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન ફેંકવું જોઈએ. અને તે જ રીતે અજાણી વસ્તુઓને હાથ પણ ન લગાવવો જોઈએ.
સ્ત્રીઓએ શું રાખવું ધ્યાન ?
⦁ હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું મસ્તક ઢંકાયેલું રહે. એટલે કે, માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ.
⦁ સગર્ભા સ્ત્રીઓએ કોઈની સાથે જ હોળી પૂજા માટે જવું જોઈએ. આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમણે ટાળવું જોઈએ.
⦁ લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન ન કરવા જોઈએ. માન્યતા અનુસાર તેનાથી નવવિવાહીતાના જીવનમાં કષ્ટો આવી પડે છે !
હોળી પ્રાગટ્ય બાદ શું ધ્યાન રાખશો ?
⦁ હોળી પ્રાગટ્ય બાદ ભોજન કરવાની છૂટ છે. પરંતુ, આ ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ.
⦁ હોળીની રાત્રીએ દંપતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
⦁ હોળી એ સકારાત્મક્તાને જીવનમાં સ્થિર કરવાવાળી રાત્રી છે. અને તે પ્રભુ સ્મરણમાં જ પસાર થાય, તો જ તે વિશેષ લાભદાયી બને છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)