Devpodhi Agiyaras: ક્યારે છે દેવપોઢી અગિયારસ ? જાણો હરિશયની એકાદશીનો મહિમા અને વ્રતની ફળદાયી વિધિ
શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું (devshayani ekadashi) ખૂબ જ માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. તેને હરિશયની એકાદશી તેમજ પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો, આપણે ગુજરાતમાં તળપદી ભાષામાં આ એકાદશી દેવપોઢી એકાદશીના નામે પ્રસિદ્ધ છે.
Devpodhi Agiyaras: હિન્દુ સંસ્કૃતિમાં એકાદશી વ્રતનો સવિશેષ મહિમા છે. વર્ષ દરમિયાન આમ તો કુલ 24 એકાદશી આવતી હોય છે. પરંતુ, તેમાં અષાઢ માસની દેવપોઢી એકાદશી તેમજ કારતક માસની દેવઉઠી એકાદશી સવિશેષ મહત્વ ધરાવે છે. આ વખતે આ એકાદશીનું વ્રત 29 જૂન, 2023, ગુરુવારના રોજ રાખવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે આ એકાદશીનું મહત્વ શું છે. અને આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી શ્રીહરિની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે.
દેવશયની એકાદશી માહાત્મ્ય
અષાઢ માસના સુદ પક્ષની એકાદશી તિથિને આપણે ત્યાં દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ખૂબ જ માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. તેને હરિશયની એકાદશી તેમજ પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો, આપણે ગુજરાતમાં તળપદી ભાષામાં આ એકાદશી દેવપોઢી એકાદશીના નામે પ્રસિદ્ધ છે. માન્યતા અનુસાર આ દિવસથી શ્રીવિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે. પ્રભુ ચાર માસ માટે નિંદ્રાધીન થાય છે. આ ચાર માસ ચાતુર્માસ તરીકે ઓળખાય છે. એટલે કે, દેવશની એકાદશીથી જ ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. તો, આ દિવસથી જ ગૌરીવ્રતનો પણ પ્રારંભ થાય છે.
ક્યારે કરશો વ્રત ?
દેવશયની એકાદશીનું વ્રત 29 જૂન, 2023 ગુરુવારના રોજ રાખવામાં આવશે. માન્યતા અનુસાર આ દિવસે શ્રીવિષ્ણુની આરાધના કરવાથી વ્યક્તિને સમગ્ર વર્ષ દરમિયાન શ્રીવિષ્ણુની કૃપાની પ્રાપ્તિ થતી જ રહે છે. એટલું જ નહીં, આ એકાદશીનું વ્રત વ્યક્તિના સઘળા મનોરથોની પૂર્તિ કરનારું મનાય છે.
દેવપોઢી એકાદશી:- 29 જૂન, 2023, ગુરુવાર
તિથિ પ્રારંભ:- 29 જૂન, 2023, સવારે 3:18 કલાકે
તિથિ સમાપ્ત:- 30 જૂન, 2023, મધ્યરાત્રી 2:42 કલાકે
પારણાંનું મુહૂર્ત:- 30 જૂન, 2023, સવારે 9:20 કલાકે
વ્રતની ફળદાયી વિધિ
⦁ દેવશયની એકાદશીએ સવારે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે ઊઠી જવું. ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ ઘરના મંદિર સન્મુખ બેસીને શ્રીહરિનું સ્મરણ કરવું. તેમજ દેવશયની એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો.
⦁ ઘરના પૂજાસ્થળને સ્વચ્છ કરી ત્યાં એક બાજોઠ મૂકો અને તેના પર શ્રીવિષ્ણુની પ્રતિમા કે તસવીરને સ્થાપિત કરો. જો લક્ષ્મી નારાયણની એકસાથે મૂર્તિ હોય તો તેની સ્થાપના વિશેષ ફળદાયી બની રહેશે.
⦁ શક્ય હોય તો આ દિવસે જાતકે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. કારણ કે આ વખતે ગુરુવાર અને એકાદશીનો સંયોગ છે. વળી, શ્રીવિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય પણ મનાય છે.
⦁ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુની પૂજા કર્યા બાદ તેમને પીળા રંગના વસ્ત્ર, પીળા રંગના પુષ્પ તેમજ પીળા રંગનું ચંદન અર્પણ કરવું.
⦁ પ્રભુને ધૂપ-દીપ અર્પણ કરી તેમની આરતી ઉતારો.
⦁ સરળ વિષ્ણુ મંત્ર ।। ૐ નમો નારાયણ ।। નો 108 વખત જાપ કરો.
⦁ યાદ રાખો, આ દિવસે વ્રત કરનાર સાધકે સમગ્ર દિવસ માત્ર ફળ જ ગ્રહણ કરવા. જો ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરી શકાય. પરંતુ, યાદ રાખો કે ભોજનમાં આ દિવસે ભાત કે ચોખાની કોઈ વાનગી તો ગ્રહણ ન જ કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)