Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય

Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય
દશેરાએ સરળ ઉપાયોથી થશે ભાગ્યોદય !

દશેરાએ શ્રદ્ધાળુઓ શ્રીરામની, આદ્યશક્તિ જગદંબાની તેમજ અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરતા હોય છે. પણ, સાથે જ આ દિવસ તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો છે. આ દિવસે સરળ ઉપાયો થકી વ્યક્તિ ધનના, ભયમુક્તિના તેમજ કાર્યમાં સફળતાના આશિષ પ્રાપ્ત કરી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Oct 15, 2021 | 11:51 AM

દશેરા (dussehra) એટલે તો અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ. સ્વયં ખુદના અને અન્યમાં રહેલા આસુરી તત્વો પર વિજય મેળવવાના સંકલ્પનો અવસર. શ્રીરામે આસો સુદ દશમીએ જ રાવણનો વધ કર્યો હતો. જેના પ્રતિક રૂપે જ વિજયાદશમીનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસે લોકો શ્રીરામની, શક્તિની અને શસ્ત્રોની પૂજા-અર્ચના કરતા હોય છે. પણ, ઘણાં ઓછા લોકોને એ ખ્યાલ હશે કે આ દિવસ તો અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો છે.

દશેરાના દિવસે કેટલાંક સરળ ઉપાયો અજમાવીને વ્યક્તિ ધનના, ભયમુક્તિના તેમજ કાર્યમાં સફળતાના આશિષ પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં રક્ષાના આશીર્વાદ પણ મેળવી શકે છે અને અટકેલાં કાર્યોને પરિપૂર્ણ પણ કરી શકે છે. ત્યારે આવો આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

અટકેલાં કાર્ય પૂર્ણ કરવા દશેરાના દિવસે બપોરે ઈશાન ખૂણામાં ચંદન, કુમકુમ અને પુષ્પથી અષ્ટદલ કમલની આકૃતિ બનાવવી. ત્યારબાદ દેવી જયા અને વિજયાનું સ્મરણ કરી તેમનું પૂજન કરો. આ પછી શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષની પાસે રહેલી થોડી માટી લઇને પોતાના ઘરમાં લાવીને રાખવી. માન્યતા અનુસાર આવું કરવાથી રોકાયેલા કાર્યો તરત પૂર્ણ થાય છે. તેમજ ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી.

કાયદાકીય કેસમાં વિજય જો તમે કોઇ કાયદાકીય કાર્યથી પરેશાન હોવ કે કેસમાં ફસાયા હોવ તો દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરો અને સાંજે તેની નીચે દીપ પ્રગટાવો. આ ઉપાય કરવાથી કાનૂની કેસમાં વિજય મળશે અને ધનની પ્રાપ્તિ થશે. દશેરાના દિવસે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે તેમજ કાર્ય સફળતાના માર્ગ પણ ખુલશે.

સંકટમોચનના આશિષ ભગવાન હનુમાનને સંકટમોચન પણ કહેવાય છે. જો તમારી સામે કોઇપણ પ્રકારનું સંકટ હોય તો તેને દૂર કરવા દશેરાએ હનુમાનજીની પૂજા કરો. દશેરાના રોજ હનુમાનજીને ગોળ-ચણા અથવા લાડુનો ભોગ લગાવો. તેનાથી પ્રસન્ન થઈ હનુમાનજી તમારી રક્ષા કરશે.

વિજય પ્રાપ્તિ અર્થે કોઇપણ ક્ષેત્રમાં વિજય મેળવવા માટે દશેરાના દિવસે દેવીની પૂજા કરો. તેમને 10 પ્રકારના ફળ અર્પણ કરી પછી તે ફળ ગરીબોમાં વહેંચી દેવા. દેવીને ફળ અર્પણ કરતી વખતે “ૐ વિજયાયૈ નમ: ।” મંત્રનો જાપ કરો. આ ઉપાય દશેરાએ બપોરના સમયે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય.

ભયમુક્તિના આશિષ કોઇપણ ખરાબ કાર્યોના કારણે જો યમલોકનો ભય સતાવતો હોય તો દશેરાના દિવસે મા કાળીનું ધ્યાન કરતા તેમના સામે ક્ષમા માંગો અને માતાને કાળા તલ ચઢાવો. માન્યતા અનુસાર આવું દર વર્ષે કરવાથી યમલોકની યાતનાઓનો ભય નહીં સતાવે !

ભાગ્યોદય અર્થે દશેરાના દિવસે મહાદેવના નીલકંઠ રૂપના દર્શનનો પણ મહિમા છે. માન્યતા અનુસાર આવું કરવું ખૂબ જ શુભ મનાય છે. અને તેનાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. તેમજ સફળતાના દ્વાર ખૂલી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શુભ યોગ સાથે દશેરા, પ્રાપ્ત કરાવશે મા દુર્ગાની સવિશેષ કૃપા !

આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી નારી બની નર ! જાણો, રાજા સુદ્યુમ્નની કથા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati