AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ

Sanatan Dharam : જરા એક એવા સમયની કલ્પના કરો, જ્યારે દુનિયામાં ધર્મ વિશે વાત કરનારુ કે ધર્મનું નામ લેનારુ કોઈ નહીં બચે. જ્યારે માણસોની ઉંમર સતત ઘટતી જશે અને એક સમય એવો આવશે જ્યારે માણસનું જીવન પાપ, લાલચ અને અધર્મથી ઘેરાઈ જશે. ત્યાં સુધી કે માણસનું આયુષ્ય પણ ઘટીને માત્ર 20 વર્ષનું રહી જશે. અકાળે વૃદ્ધાવસ્થા આવશે, ધર્મ નું નામોનિશાન નહીં રહે અને અંતે આવશે વિષ્ણુનો છેલ્લો અવતાર.. -વાંચો

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ
| Updated on: Oct 06, 2026 | 9:26 PM
Share

ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં કળિયુગના અંતિમ ચરણને લઈને અનેક પ્રકારના વર્ણનો મળે છે. આ વર્ણનો અનુસાર જેમ-જેમ કળિયુગ તેની ચરમસીમાએ પહોંચશે, તેમ-તેમ ધર્મ, સત્ય, કરુણા, પવિત્રતા, ક્ષમા અને મનુષ્યનું આયુષ્ય ક્રમશ: ઘટતુ જશે. જો કે પ્રશ્ન એ છે કે કળિયુગનો અંત આખરે કેવી રીતે આવશે? શું સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે? બીજો સૌથી મોટો સવાલ આ ઘોર અધર્મ વચ્ચે ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર કેવો હશે? આવો જાણીએ પુરાણોમાં વર્ણવાયેલા કળિયુગના અંતિમ સમયની એ કથા વિશે.

કળિયુગના અંત સુધીમાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય ઘટી જશે!

ધાર્મિક ગ્રંથોમાં કળિયુગના અંતિમ તબક્કાનું વર્ણન અત્યંત ભયાનક ગણાવાયુ છે. માન્યતા અનુસાર આ સમયે મનુષ્યનું આયુષ્ય સતત ઘટતુ જશે. મનુષ્યોના શરીરમાં અકાળે વૃદ્ધાવસ્થાના લક્ષણો દેખાવા લાગશે. નાની ઉંમરે જ વાળ સફેદ થઈ જશે અને શારીરિક શક્તિ ઝડપથી ક્ષીણ થવા લાગશે. એટલે જે ઉંમરમાં આજનો યુવા તેની કારકિર્દી અને ભવિષ્ય ઘડતર વિશે વિચારે છે, એ ઉમરે વ્યક્તિ તેના જીવનના અંતિમ તબક્કાનની નજીક પહોંચી ગઈ હશે.

નોંધ: (શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ, આધ્યાય 2, શ્લોક 1 તથા વિષ્ણુ પુરાણના ચોથા અંશ, આધ્યાય 24 માં કળિયુગ દરમિયાન મનુષ્યના આયુષ્યમાં ઘટાડા સાથેના વર્ણનો મળે છે. જો કે મનુષ્યનું આયુષ્ય ઘટીને 20 વર્ષ થઈ જશે તેવા કોઈ દાવા નથી.)

સંબંધો અને પરિવાર તૂટી જશે

શાસ્ત્રોમાં કળિયુગના અંતિમ ચરણ આવતા સુધીમાં સામાજિક અને પારિવારિક મૂલ્યોના પતનનું પણ વર્ણન મળે છે. ધર્મ, સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા અને સંયમ જેવા ગુણો ધીમે-ધીમે લુપ્ત થઈ જશશે. પતિ-પત્નીના સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને આદર પણ ઘટશે.

લોકો સંબંધો કરતા સ્વાર્થ અને વ્યક્તિગત ઈચ્છાઓને વધુ મહત્વ આપવા લાગશે. પરિવાર કરતા સંપત્તિ અને વ્યક્તિગત લાભને વધુ મહત્વ આવશે. ધાર્મિક ગ્રંથોમાં તો ત્યાં સુધીનું વર્ણન છે કે વ્યક્તિના ચારિત્ર્યનું મૂલ્યાંકન તેના આચરણથી નહીં પરંતુ તેની પાસે રહેલી સંપત્તિના આધારે કરવામાં આવશે. (Source શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દ્વાદશ સ્કંધ, દ્વિતીય અધ્યાય (12.2.2))

જેની પાસે ધન હશે, તેને માન-સન્માન મળશે (ભાગવત 12.2.2)

કળિયુગના અંતિમ ચરણમાં ધનવાન હોવુ એ જ પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જાનો મુખ્ય આધાર બની જશે. વ્યક્તિ પાસે જેટલી વધુ સંપત્તિ હશે, સમાજ તેને તેટલો જ પ્રભાવશાળી અને ગુણવાન ગણશે. તેમના પરિવાર અને વંશની પ્રતિષ્ઠા પણ તેમની સંપત્તિના આધારે જ નક્કી થશે. જ્યારે ગરીબ વ્યક્તિને અનાદરની નજરે જોવામાં આવશે અને તેને અયોગ્ય માનવામાં આવશે.

લોકો સંપત્તિ માટે પોતાના જ સગા-સંબંધીઓ અને મિત્રોની વિરુદ્ધ થઈ જશે. લોભ-લાલચ એટલી હદે વધી જશે કે લોકો પોતાના સ્વાર્થને સાધવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ચારેબાજુ અધર્મની હશે બોલબાલા

એવુ કહેવાય છે કે કળિયુગના અંતિમ તબક્કામાં સાચા અર્થમાં ધર્મનું આચરણ કરનારા લોકો સાવ ઘટી જશે. લોકો ધાર્મિક ગ્રંથો અને વેદોની વાત તો કરશે પરંતુ તેમના આચરણમાં તે નહીં જોવા મળે.

કેટલાક ધાર્મિક નેતાઓ પણ અંગત સ્વાર્થ માટે લોકોનું શોષણ કરશે. તેઓ જ્ઞાનની વાતો કરશે, પરંતુ તેમના પોતાના આચરણમાં ધર્મ કે સદ્દગુણોનો અભાવ હશે. તે સમયે, માત્ર લુચ્ચા, લોભી અને સ્વાર્થી લોકોને જ બુદ્ધિશાળી અને સફળ માનવામાં આવશે. પૃથ્વી પર અન્ન ઉગાડવાનું કાર્ય પણ મુશ્કેલ બની જશે.

પુરાણોમાં કલિયુગના અંતિમ ચરણમાં સર્જાનારા કુદરતી અસંતુલન વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે પૃથ્વીની ફળદ્રુપતા ઘટશે, જેનાથી અન્ન ઉત્પાદન પર વિપરીત અસર પડશે. વરસાદ અનિયમિત થઈ જશે અને ઋતુચક્ર ખોરવાઈ જશે; કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી પડશે તો અન્ય સ્થળોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. વાવાઝોડાં, પૂર અને અન્ય કુદરતી આફતો વધશે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં તો એવું પણ વર્ણન કરાયુ છે કે સૂર્ય એટલી ગરમી ઓકશે કે નદીઓ અને સમુદ્રો પણ સુકાવા લાગશે.

(શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ, અધ્યાય 2- ખાસ કરીને 12.2.9–10માં કળિયુગમાં વરસાદ અને કૃષિ સાથે જોડાયેલી મુશ્કેલીઓ તથા લોકોના જીવનમાં આવનારી કટોકટીનું વર્ણન મળે છે.)

તીર્થ સ્થાનોના બદલે નાના તળાવનું મહત્વ વધશે

કળિયુગના અંત સાથે જોડાયેલા ધાર્મિક વર્ણનોમાં પણ એ કહેવાયુ છે કે લોકોની ધાર્મિક આસ્થા અને પરંપરાઓમા એટલો ફેરફાર થશે કે લોકો પવિત્ર તીર્થોના મહત્વને ભૂલી જશે, લોકો દૂર સ્થિત પવિત્ર નદીઓ અને તીર્થસ્થળોના બદલે પોતાની નજીક આવેલા જળસ્ત્રોતોને જ તીર્થ માનવા લાગશે, આ વર્ણન માત્ર ભૌગોલિક પરિવર્તનની વાત નથી કરતુ, પરંતુ એ સમયે મનુષ્યની વિચારસરણી અને ધાર્મિક મૂલ્યોમાં આવનારા બદલાવ તરફ પણ નિર્દેશ કરે છે.

(આ વર્ણન શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ, દ્વિતીય અધ્યાય, શ્લોક 26 (12.2.26)માં મળે છે.)

‘કલી પુરુષ’ કળિયુગનું સર્વોચ્ચ પ્રતિક !

ધાર્મિક માન્યતા અનુસાર કલી પુરુષને કળિયુગના અધર્મ અને બુરાઈનું પ્રતિક માનવામાં આવે છે. જેમ-જેમ અધર્મ વધશે, કલીની શક્તિઓ વધતી જશે. તેનો પ્રભાવ મનુષ્યોની વિચારસરણી અને વ્યવહાર પર પડવા લાગશે. ધીમે-ધીમે લોકો લોભ, ક્રોધ, હિંસા, છળ, અને સ્વાર્થના માર્ગે ચાલવા લાગશે. એવું કહેવાય છે કે કલિ પુરુષ પોતાની સર્વોચ્ચ શક્તિ અધર્મમાંથી મેળવશે. જેમ જેમ અધર્મ ફેલાશે, તેમ તેમ તેનો પ્રભાવ વધતો જશે.

(શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, પ્રથમ સ્કંધ, અધ્યાય 17, ખાસ કરીને શ્લોક 10–30 અને 38. માં રાજા પરીક્ષિત અને કલી પુરુષનો પ્રસંગ આવે છે.)

ત્યારબાદ, આવશે ભગવાન કલ્કિનો અવતાર

જોકે, સનાતન પરંપરામાં હંમેશાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ અધર્મ વધે છે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. એવી માન્યતા છે કે કળિયુગના અંતે ભગવાન વિષ્ણુના દસમા અવતાર એવા ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે અધર્મ તેની ચરમસીમાએ પહોંચશે અને ધર્મ લુપ્ત થવાની અણી પર હશે, ત્યારે ભગવાન કલ્કિ અધર્મનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે અવતાર ધારણ કરશે. એવી માન્યતા છે કે ભગવાન કલ્કિ સફેદ ઘોડા પર સવાર થઈને પ્રગટ થશે. તેમના ઘોડાનું નામ ‘દેવદત્ત’ હોવાનું કહેવાય છે. હાથમાં તલવાર ધારણ કરીને તેઓ અધર્મ અને અત્યાચારનો અંત લાવશે.

(શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ, અધ્યાય 2, શ્લોક 18–20; કલ્કિ પુરાણ)

ભગવાન કલ્કિના ગુરુ હશે ભગવાન પરશુરામ

ભગવાન કલ્કિ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓમાં ભગવાન પરશુરામનું વિશેષ સ્થાન છે. પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર અને ‘ચિરંજીવી’ (અમર અસ્તિત્વ ધરાવનાર) માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામ ભગવાન કલ્કિને યુદ્ધકળા અને ધર્મનું જ્ઞાન પ્રદાન કરશે. ધાર્મિક પરંપરાઓ એમ પણ કહે છે કે પરશુરામ હાલમાં મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરી રહ્યા છે અને કલ્કિ અવતારના આગમનની રાહ જોઈ રહ્યા છે.

કલ્કિ અવતારને સહયોગ કરશે ચાર ચિરંજીવી

કલ્કિ અવતાર સાથે જોડાયેલી કથાઓમાં અનેક ચિરંજીવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં ભગવાન પરશુરામ, મહર્ષિ વેદવ્યાસ અને અશ્વત્થામા જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. હનુમાનજીને પણ ચિરંજીવી માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતા મુજબ તેઓ કલિયુગના અંત સુધી પૃથ્વી પર રહેશે. એવી માન્યતા છે કે ભગવાન કલ્કિના અવતાર સમયે, આ દિવ્ય શક્તિઓ ધર્મની સ્થાપના કરવામાં તેમને સહાય કરશે.

(કલ્કિ પુરાણ; મહાભારત; શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, વિવિધ ચિરંજીવી પાત્રોના સંદર્ભો.)

કળિયુગના અંતે શું થશે?

ધાર્મિક ગ્રંથોમાં કળિયુગના અંત સમયે મહાપ્રલય જેવી વિનાશક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક માન્યતા અનુસાર, પૃથ્વી પર લાંબા સમય સુધી મુશળધાર વરસાદ પડશે, જેના કારણે સમગ્ર વિશ્વ પાણીમાં ડૂબી જશે.

ત્યારબાદ, સૂર્યનું અત્યંત પ્રચંડ રૂપ દેખાશે. કેટલાક ધાર્મિક વૃત્તાંતોમાં એકસાથે અનેક સૂર્યોના ઉદયની કલ્પના કરવામાં આવી છે, જેમની પ્રચંડ ગરમી પૃથ્વીના જળને સૂકવી નાખશે. આ વર્ણનો ધાર્મિક અને પ્રતીકાત્મક પરંપરાઓનો હિસ્સો છે અને તેને આધુનિક વિજ્ઞાન દ્વારા સમર્થિત પુરાવા તરીકે ન જોવા જોઈએ. ત્યારબાદ અધર્મનો અંત આવશે અને એક નવા યુગ ‘સત્યયુગ’નો પ્રારંભ થશે.

(શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, દ્વાદશ સ્કંધ, અધ્યાય 2, શ્લોક 23–24 અને અધ્યાય 4, શ્લોક 10–12; વિષ્ણુ પુરાણ, પ્રથમ અંશ, અધ્યાય 7.)

શું કળિયુગ સૌથી ખરાબ યુગ છે?

જોકે કળિયુગને અધર્મ અને નૈતિક અધઃપતનનો યુગ માનવામાં આવે છે, તેમ છતાં ધાર્મિક ગ્રંથો તેમાં રહેલા એક વિશિષ્ટ ગુણ પર પણ પ્રકાશ પાડે છે. એવી માન્યતા છે કે અન્ય યુગોની સરખામણીમાં કળિયુગમાં ઈશ્વરની ભક્તિ અને તેમના નામસ્મરણ દ્વારા આધ્યાત્મિક ફળ પ્રાપ્ત કરવું વધુ સરળ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં સત્યયુગમાં આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે લાંબા સમય સુધી કઠોર તપસ્યાની જરૂર પડતી હતી, અને ત્રેતા તથા દ્વાપર યુગમાં વ્યાપક આધ્યાત્મિક સાધના કરવી પડતી હતી, ત્યાં કળિયુગમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં આવા ફળની પ્રાપ્તિ થઈ શકે શકે છે. આ જ કારણોસર, કલિયુગને માત્ર પાપ અને અધર્મનો યુગ જ નહીં, પરંતુ ભક્તિ માટે એક અનોખી તક પૂરી પાડતો સમય પણ માનવામાં આવે છે.

કલિયુગમાં ભગવાન ગણેશજીનો પણ હશે અવતાર

કલિયુગના અંત અંગેની કેટલીક ધાર્મિક કથાઓમાં ભગવાન ગણેશના એક વિશિષ્ટ સ્વરૂપનું પણ વર્ણન મળે છે. ‘ગણેશ પુરાણ’માં દેવતાના ‘ધૂમ્રવર્ણ’ (ધુમાડા જેવા રંગવાળા) સ્વરૂપનો ઉલ્લેખ છે. કેટલીક પરંપરાઓ અનુસાર, અધર્મ અને આસુરી શક્તિઓનો વિનાશ કરવા માટે તેઓ કલિયુગના અંતે એક વિશેષ અવતાર ધારણ કરશે.

આ સ્વરૂપ ‘ધૂમ્રવર્ણ’ અથવા ‘ધૂમ્રકેતુ’ નામ સાથે જોડવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં ‘અભિમાનાસુર’ નામના એક અસુરનો પણ ઉલ્લેખ મળે છે, જેનો અંત ભગવાન ગણેશ દ્વારા થવાનું નિર્ધારિત છે. જોકે, વિવિધ ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં આ અંગેની વિગતો અને વર્ણનો ભિન્ન-ભિન્ન છે. (ગણેશ પુરાણ, ક્રીડાખંડ: ધૂમ્રવર્ણ અવતાર અને અભિમાનાસુરની કથા)

ધર્મની સર્વોચ્ચ પુનઃસ્થાપના

કળિયુગની સમગ્ર કથા એક મૂળભૂત સત્ય પર કેન્દ્રિત છે: જ્યારે અધર્મ તેની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના થાય છે. ભગવાન કલ્કિના અવતારમાં રહેલી શ્રદ્ધાનો આધાર પણ આ જ વિચારધારા છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન કલ્કિ ‘કલિ’ના પ્રભાવ અને અધર્મના શાસનનો અંત લાવશે. પાપીઓનો વિનાશ થશે, ધર્મની પુનઃસ્થાપના થશે અને એક નવા યુગ ‘સત્યયુગ’નો આરંભ થશે. જોકે, વિવિધ પુરાણોમાં કળિયુગના અંત અને કલ્કિ અવતાર અંગે અલગ-અલગ વર્ણનો જોવા મળે છે; તેથી, આ કથાઓને ધાર્મિક આસ્થા અને પૌરાણિક લોકકથાઓના સંદર્ભમાં સમજવી જોઈએ.

હાલમાં એવી માન્યતા પ્રચલિત છે કે કળિયુગનો હજુ ઘણો લાંબો સમય બાકી છે; તેથી, ભગવાન કલ્કિનો અવતાર નિકટના ભવિષ્યની ઘટના તરીકે જોવામાં આવતો નથી. તેમ છતાં, આ સમગ્ર કથાનો ગહન સંદેશ એ છે કે મનુષ્યોએ પોતાના જીવનમાં ધર્મ, સત્ય, કરુણા, સંયમ અને સદાચારનું પાલન કરવું જોઈએ. કારણ કે યુગ ગમે તે હોય, અંતે તો ધર્મનો જ વિજય થાય છે.

Sources:

ભાગવત પુરાણ આધ્યાય 12.2.18: સંભલ ગામમાં ભગવાન કલ્કિના પ્રાગટ્યનું વર્ણન 12.2.19–20: કલ્કિ દ્વારા દુષ્ટો/અધર્મીઓનો વિનાશ 12.2.21–22: કલ્કિના પ્રભાવથી પૃથ્વી પર પરિવર્તન 12.2.23–24: કલ્કિ પછી સત્યયુગના પુનઃપ્રારંભ અને ધર્મની સ્થાપનાનો સંદર્ભ

 

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
g clip-path="url(#clip0_868_265)">