હવે મિનિટોમાં મળશે PF ના પૈસા! ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થઈ શકે છે ‘UPI વિડ્રોલ સુવિધા’, 75% સુધી રકમ ઉપાડી શકાશે
નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) માંથી પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ બનવા જઈ રહ્યું છે. EPFO ટૂંક સમયમાં જ UPI-આધારિત PF ઉપાડની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે, જેનાથી નોકરિયાત વર્ગ BHIM એપ દ્વારા સીધા પોતાના બેંક ખાતામાં PF ની રકમ મેળવી શકશે.

UPI દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં નોકરી કરતા લોકો માટે શરૂ થઈ શકે છે. તાજેતરમાં સામે આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, EPFO UPI-આધારિત પ્રોવિડન્ટ ફંડ ઉપાડ શરૂ કરવાના ફાઇનલ તબક્કામાં છે અને આ સુવિધા ડિસેમ્બરના અંત સુધીમાં લાઈવ થવાની અપેક્ષા છે.
એક અહેવાલ મુજબ, ટૂંક સમયમાં લોન્ચ થનારા આ ફીચરની મદદથી EPF સબ્સ્ક્રાઈબર્સ BHIM એપ દ્વારા યોગ્ય PF રકમ એક્સેસ કરી શકશે, પોતાનું ઉપાડી શકાય તેવું બેલેન્સ ચેક કરી શકશે અને જોઈ શકશે કે તેમના રિટાયરમેન્ટ એકાઉન્ટમાં ઓછામાં ઓછી કેટલી રકમ રહેવી જોઈએ.
તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યા છે
અહેવાલ મુજબ, UPI ઉપાડ કે જે સૌથી વધુ રાહ જોવાતા ફીચર્સમાંનું એક છે, તે રોલઆઉટના અંતિમ તબક્કામાં છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ટ્રાયલ દરમિયાન આવેલી મુશ્કેલીઓને સુધારી લેવામાં આવી છે.
UPI ઉપાડ સુવિધા EPFOના મોટા ટેક્નોલોજી અપગ્રેડ, EPFO 3.0નો ભાગ છે, જેને કથિત રીતે ફેબ્રુઆરી 2027માં રોલ આઉટ કરવામાં આવશે; જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આગામી બેઠક યોજાશે.
UPI ઉપાડ સુવિધા મેમ્બરના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને UPI એકાઉન્ટ સાથે લિંક હશે. અપેક્ષા છે કે, આ ફીચર માત્ર એવા જ બેંક એકાઉન્ટ માટે કામ કરશે; જે વેરિફાઈડ છે અને EPFO એકાઉન્ટ સાથે લિંક છે.
UPIથી કેટલા પૈસા ઉપાડી શકશે?
અહેવાલ છે કે, સબ્સ્ક્રાઈબર્સ પોતાના EPF પૈસાના 75 ટકા ઉપાડી શકશે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર મર્યાદા જાહેર કરવામાં આવી નથી. યાદ અપાવીએ કે, રિટાયરમેન્ટ ફંડ બોડીએ 19 નવેમ્બરે બોર્ડ બેઠકમાં PF એકાઉન્ટમાં જરૂરી મિનિમમ બેલેન્સને 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી પાર્શિયલ ઉપાડ મર્યાદા પણ તેમના યોગ્ય બેલેન્સના 75 ટકાથી વધીને 90 ટકા થઈ શકે છે.
EPFO 3.0 શું છે?
EPFO 3.0 રિટાયરમેન્ટ ફંડ બોડીના ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટો ફેરફાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ કોર બેંકિંગ ક્ષમતાઓ દ્વારા સેવાઓને આધુનિક બનાવવાનો છે.
આનો હેતુ પેપરવર્ક ઘટાડવાનો, ક્લેમ સેટલમેન્ટને ઝડપી બનાવવાનો અને મેમ્બર સેવાઓ માટે એક યુનિફાઈડ પ્લેટફોર્મ આપવાનો છે. તેની પ્લાન કરાયેલી ક્ષમતાઓમાં ત્વરિત ઉપાડ, બહુવિધ ભાષાઓ વાળી સેલ્ફ-સર્વિસ અને સરળ પેરોલ-લિંક્ડ કોન્ટ્રીબ્યુશન જોડાયેલ છે.
