Rakshabandhan: શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ !

માન્યતા એવી છે કે રક્ષાબંધનના તહેવાર પર ભગવાનને રાખડી બાંધવાથી તે પરિવારમાં સુખ-શાંતિના આશિષ પ્રદાન કરે છે. એમાં પણ વિવિધ દેવતાઓને તેમને પ્રિય એવાં રંગની રાખડી બાંધવાથી તે વિવિધ મનોરથોની પૂર્તિ કરે છે.

Rakshabandhan: શું તમે દેવતાઓને બાંધો છો રાખડી ? એક રક્ષાસૂત્રથી દેવતા દેશે સુખી જીવનના આશિષ !
દેવતાઓને તેમના પ્રિય રંગની રાખડી બાંધો !

રક્ષાબંધનનો (rakshabandhan) પર્વ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આ ઉત્સવની ઉજવણી થાય છે. બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર (rakshasutra) બાંધી તેના કલ્યાણની કામના કરે છે. તો ભાઈ પણ બહેનને સામે રક્ષાનું વચન આપે છે. પણ, શું તમને એ ખબર છે કે આપણે ત્યાં તો દેવતાઓને પણ રાખડી બાંધવાની પરંપરા છે ? આવો, આજે આ જ વિશે વાત કરીએ.

સામાન્ય રીતે લોકો તેમના પરિવારની પરંપરા મુજબ ઘરના મંદિરમાં બિરાજમાન દેવતાને રાખડી બાંધતા જ હોય છે. માન્યતા એવી છે કે રક્ષાબંધનના તહેવાર પર ભગવાનને રાખડી બાંધવાથી તે પરિવારમાં સુખ-શાંતિના આશિષ પ્રદાન કરે છે. એમાં પણ વિવિધ દેવતાઓને તેમને પ્રિય એવાં રંગની રાખડી બાંધવાથી તે વિવિધ મનોરથોની પૂર્તિ કરે છે. તો ચલો, આજે એ જ જાણીએ કે વિવિધ દેવતાને કેવું રક્ષાસૂત્ર બાંધવાથી તે કરાવશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ !

પ્રથમ પૂજ્ય શ્રીગણેશ
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય કહ્યા છે. જીવનની તમામ સમસ્યાનું ભગવાન ગણેશ શમન કરી લેનારા છે. એટલે જ રક્ષાબંધનના દિવસે સર્વ પ્રથમ ગણેશજીને લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. કારણ કે ગજાનનને લાલ રંગ ખૂબ પસંદ છે. માન્યતા એવી છે કે આવું કરવાથી જીવનના તમામ કષ્ટ અને સંકટ દૂર થઇ જાય છે અને ભક્તને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

સુખ દેશે શિવજી
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. સમગ્ર શ્રાવણ માસ તો મહેશ્વરને જ સમર્પિત છે. એટલા માટે આ દિવસે શિવજીને રાખડી બાંધવાથી તે ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન શિવને વાદળી રંગની રાખડી બાંધવી જોઇએ. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ મહાદેવ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ આપે છે. પરિવારમાં સુખ સંપન્નતા આવે છે.

શ્રીવિષ્ણુને પ્રિય પીળો રંગ
ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પસંદ છે. એટલે તેમને આ દિવસે હળદરનું તિલક કરીને આછા પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. અને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તમારી તમામ મનશા પૂર્ણ થશે.

રક્ષા કરશે શ્રીકૃષ્ણ !
ભગવાન શ્રીકૃષ્ણને દ્રૌપદીએ રાખડી બાંધી હતી. જેના બદલામાં શ્રીકૃષ્ણએ અખૂટ ચીર પૂરી દ્રૌપદીની લાજ રાખી હતી. એ જ કારણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધવાનો વિશેષ મહિમા છે. કહે છે કે તેનાથી પ્રભુ દરેક પરિસ્થિતિમાં ભક્તની વ્હારે રહે છે અને તેની રક્ષા કરે છે. તો આ રક્ષાબંધને પ્રભુને લીલા રંગની રાખડી બાંધવી. કહે છે કે તેનાથી જીવનના તમામ કષ્ટ દૂર થઈ જશે.

હનુમાનજીને લાલ રાખડી !
પવનસુત હનુમાનજીને લાલ રંગ ખૂબ પ્રિય છે. એટલે રક્ષાબંધને તેમને લાલ રંગની રાખડી બાંધવી. માન્યતા અનુસાર તેનાથી મંગળ ગ્રહની પણ શાંતિ થશે અને સાથે બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થશે.

ઉલ્લેખનિય છે કે આ તમામ માહિતી લૌકિક માન્યતા પર આધારિત છે. પણ, ઘણાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે તેનું પાલન કરી પ્રભુ પાસે કલ્યાણની કામના અભિવ્યક્ત કરતા રહે છે.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે રાખડી બાંધતી વખતે બોલવાનો આ મંત્ર ? એક મંત્ર કરશે ભાઈની રક્ષા !

આ પણ વાંચોઃ ભયંકર મુશ્કેલીના સમયમાં કરો કાશીના આ શિવલિંગોના નામનું ઉચ્ચારણ, સર્વ દુઃખને હરી લેશે મહાદેવ !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati