Diwali 2022: દિવાળીની રાત્રે તમે કઈ રીતે પ્રગટાવો છો દીવો ? જાણી લો દીપ પ્રાગટ્યની વિધિ અને સ્થાન !
તમે જ્યારે પણ દીવા પ્રજવલિત કરીને મૂકો ત્યારે તેની નીચે આધાર અચૂક મૂકવો જોઇએ. તમારે દીવો મૂકવાના સ્થાન પર ચોખાની ઢગલી કરવી જોઈએ. અને પછી તેના પર દીવો મૂકવો. આ ચોખા એટલે કે અક્ષત એ દીવાનો આધાર છે !

દિવાળીની (Diwali 2022) રાત્રીને અમોઘ રાત્રી પણ કહે છે. માન્યતા અનુસાર આ અત્યંત ફળદાયી રાત્રીને ક્યારેય પણ વ્યર્થ ન જવા દેવી જોઇએ. દિવાળીની આ અંધારી રાત્રીને લોકો દીવડાઓ (diya) પ્રગટાવીને પ્રકાશથી ભરી દે છે. તમે પણ તમારા ઘરને ઘણાં બધાં દીવાઓથી સજાવતા હશો. આર્ટિફિશિયલ લાઈટિંગથી ઘરને શોભાવતા હશો. પણ, શું તમે જાણો છો કે દિવાળીમાં તો દીપ પ્રાગટ્યનો જ સવિશેષ મહિમા છે. એટલું જ નહીં, આ દિવાળી પર કેટલાંક વિશેષ સ્થાન પર દીપ પ્રગટાવવા (diwali remedies) ખૂબ જ જરૂરી છે. ત્યારે આવો જાણીએ કે દિવાળીની રાત્રે કયા સ્થાન પર અચૂક દીવા પ્રગટાવવા જોઈએ. અને આ દીવા કેવી રીતે પ્રગટાવવા (Deep Pragatya) જોઈએ ?
દીવાને આપો આધાર !
⦁ આપણે ઘરમાં અનેકવિધ દીવા પ્રગટાવીએ છીએ. પણ, આપણે એ નથી જાણતા કે આ દીવડાઓને ક્યારેય સીધાં એમનેમ જમીન પર ન મૂકવા જોઈએ.
⦁ તમે જ્યારે પણ દીવા પ્રજવલિત કરીને મૂકો ત્યારે તેની નીચે આધાર અચૂક મૂકવો જોઇએ.
⦁ તમારે દીવો મૂકવાના સ્થાન પર ચોખાની ઢગલી કરવી જોઈએ. અને પછી તેના પર દીવો મૂકવો. આ ચોખા એટલે કે અક્ષત એ દીવાનો આધાર છે !
⦁ ફૂલોની રંગોળી બનાવીને તમે તેના પર દીવા મૂકી શકો છો.
⦁ આ દીવડાઓને નાના નાના પાટલાઓ પર પણ મૂકી શકાય !
ઉંબરે બે દીવા !
ઘરનો ઉંબરો એ સૌભાગ્યના આગમનની સાક્ષી પૂરે છે. એટલે દિવાળીની રાત્રીએ ઘરના ઉંબરાને વિશેષ રીતે શણગારવો જોઇએ. ત્યારબાદ ઉંબરાની બંને બાજુ પર આડી વાટના તેલના દીવા કરવા જોઈએ. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે.
પૂજાઘરમાં દીવો
ઘરના પૂજાઘરમાં આડી વાટનો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. ખાસ યાદ રાખો, કે પૂજાઘરમાં પ્રગટાવેલો દીવો આખી રાત ચાલુ રહે તેટલું ઘી તેમાં પૂરવું જોઈએ.
હરની પૂજાથી હરિ અને લક્ષ્મીકૃપા !
કહે છે કે લક્ષ્મીજીની કૃપા જોઈતી હોય તો શ્રીહરિને પ્રસન્ન કરવા પડે. અને શ્રીહરિની કૃપા જોઈતી હોય તો હરને પૂજવા પડે. એટલે દિવાળીની રાત્રીએ એક દીપ પ્રગટાવીને અચૂક મહાદેવના મંદિરે દર્શને જવું. ત્યાં શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. અને પછી તે દીવો ત્યાં જ મૂકીને ઘરે પરત ફરવું. લૌકિક માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી મહાદેવ આપને રોગ અને દેવામાંથી મુક્તિ અપાવે છે.
પાણિયારે દીપથી પિતૃકૃપા !
દિવાળીની રાત્રીએ એક દીવો પાણિયારે પણ કરવો જોઈએ. આ દીવો આડી વાટનો કરો. યાદ રાખો, કે વાટને માત્ર તેલમાં બોળીને, કોડિયામાં મૂકીને, દીવો પ્રજ્વલિત કરવો. તેમાં વધારે તેલ ન પૂરવું. કહે છે કે પાણિયારે દીવો પ્રજ્વલિત કરવાથી પિતૃદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
તુલસીક્યારે દીપ પ્રાગટ્ય
દિવાળીની રાત્રીએ તુલસીક્યારે પણ અવશ્ય દીપ પ્રજવલિત કરવો જોઇએ. કહે છે કે તેનાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
દીપથી શત્રુ મુક્તિ
એક દીવો આપને શત્રુ બાધાથી મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે છે. દિવાળીની રાત્રીએ આડી વાટનો એક ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ દીવાને ચાર રસ્તા પર મૂકી આવવો જોઇએ.
પિતૃદોષ નિવારણ અર્થે
પિતૃદોષમાંથી મુક્તિ અર્થે આજના દિવસે પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ દીવો પ્રજવલિત કરતા સમયે મનમાં વિષ્ણુ મંત્રનો જાપ ચાલુ રાખવો જોઇએ. આ ઉપાય કરવાથી આપના પિતૃઓને મુક્તિ મળે છે અને આપ પણ પિતૃદોષમાંથી મુક્ત થઈ જાવ છો.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)