Hanuman Jayanti 2022 : શું તમે જાણો છો કોણ છે બાલ બ્રહ્મચારી હનુમાનજીના પત્ની !
Hanuman Jayanti 2022 : હનુમાનજી બ્રહ્મચારી હતા, પરંતુ તેઓ પરિણીત હતા. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્નીનું મંદિર બનાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં હનુમાનજીના પુત્રનો પણ ઉલ્લેખ છે.

પવનપુત્ર હનુમાન (Lord Hanuman) ને કલયુગના સાક્ષાત દેવતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે એવા ચિરંજીવી લોકોમાંથી એક છે જેઓ હજુ પણ પૃથ્વી પર હાજર છે. હનુમાન દાદા રુદ્રાવતાર છે અને શાસ્ત્રોમાં તેમને સૌથી શક્તિશાળી ગણાવ્યા છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ કારણે લોકો તેમને પ્રેમથી સંકટમોચન પણ કહે છે. કહેવાય છે કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, જેના કારણે મહિલાઓને તેમને સ્પર્શ કરવાનો અધિકાર નથી. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજી પણ પરિણીત (Marriage of Hanuman) હતા અને તેમને એક પુત્ર પણ છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 16 એપ્રિલ શનિવારના રોજ હનુમાન જયંતિ મનાવવામાં આવશે. આ અવસર પર આજે અમે તમને હનુમાનજીની પત્ની અને તેમના પુત્ર સાથે જોડાયેલી કથા જણાવીશું.
જ્ઞાન મેળવવા માટે સૂર્યદેવની પુત્રી સાથે લગ્ન કર્યા હતા
હનુમાનજીએ જ્ઞાન મેળવવા માટે સુવર્ચલા સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન પછી પણ તેઓ બ્રહ્મચારી રહ્યા. ભગવાન સૂર્યએ તેમને પ્રશિક્ષિત કર્યા હતા. પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવને હનુમાનજીના ગુરુ માનવામાં આવે છે. જ્યારે સૂર્યદેવ હનુમાનજીને 9 દિવ્ય વિદ્યા શીખવી રહ્યા હતા, ત્યારે તેમણે હનુમાનજીને 5 વિદ્યાઓનું જ્ઞાન આપ્યું હતું, પરંતુ 4 વિદ્યા એવી હતી, જે લગ્ન વખતે જ આપી શકાય. ત્યારે સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાની વાત કરી. પહેલા તો હનુમાનજી રાજી ન થયા.
ત્યારબાદ સૂર્યદેવે હનુમાનજીને તેમની તપસ્વી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સૂર્યદેવે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન પછી પણ તમે હંમેશા બાલ બ્રહ્મચારી જ રહેશો, કારણ કે લગ્ન પછી સુવર્ચલા ફરીથી તપસ્યામાં લીન થઈ જશે. આ પછી હનુમાનજીએ લગ્ન માટે સંમતિ આપી. આ પછી હનુમાનજી અને સુવર્ચલાના લગ્ન થયા. આ પછી સુવર્ચલા તપસ્યામાં લીન થયા અને હનુમાનજી લગ્ન પછી પણ બ્રહ્મચારી રહ્યા. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં લોકો જ્યેષ્ઠ મહિનાની દસમી તિથિ પર હનુમાનજીનો લગ્નોત્સવ ઉજવે છે.
વાલ્મીકિ રામાયણમાં પુત્રનો ઉલ્લેખ છે
વાલ્મીકિ રામાયણમાં હનુમાનજીના પુત્રનો ઉલ્લેખ છે. હનુમાનજીના પુત્રનું નામ મકરધ્વજ છે. જ્યારે અહિરાવણે રામ-લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાલપુરી લઈ ગયા, ત્યારે હનુમાનજી રામ-લક્ષ્મણની મદદ કરવા માટે પાતાલપુરી પહોંચ્યા અને ત્યાં તેમનો સામનો તેમના પુત્ર મકરધ્વજ સાથે થયો. મકરધ્વજ પાતાલપુરીનો દ્વારપાળ હતો અને વાંદરા જેવો દેખાતો હતો. જ્યારે મકરધ્વજ પોતાને હનુમાનના પુત્ર તરીકે સંબોધે છે, ત્યારે હનુમાનજી ગુસ્સે થઈ જાય છે.
મકરધ્વજ તેને તેની જન્મની વાર્તા કહે છે અને કહે છે કે લંકા દહન પછી પ્રબળ જ્વાળાઓને કારણે તમને પરસેવો થવા લાગ્યો. પૂંછડીમાં લાગેલી આગ ઓલવવા તમે દરિયામાં કૂદી પડ્યા. તે સમયે તમારા પરસેવાનું એક ટીપું માછલી ગળી ગઈ અને તે ગર્ભવતી થઈ. અહિરાવણના સૈનિકોએ તે માછલીને દરિયામાંથી પકડી હતી. માછલીના પેટને કાપવામાં આવ્યુ ત્યારે મારો જન્મ થયો હતો. બાદમાં મકરધ્વજને પાતાળનો દ્વારપાળ બનાવવામાં આવ્યો.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)