સોમવતી અમાસે જરૂરિયાતમંદને દાન અને પીપળાનું પૂજન, અચૂક અર્પશે મનોવાંચ્છિત ફળ

શ્રાવણની આ સોમવતી અમાસ એટલે તો શ્રાવણના આખાયે મહિનાનું એક સાથે પૂણ્યનું ભાથુ બાંધવાનો અવસર. સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમામની કૃપા પ્રાપ્ત થાય છે.

સોમવતી અમાસે જરૂરિયાતમંદને દાન અને પીપળાનું પૂજન, અચૂક અર્પશે મનોવાંચ્છિત ફળ
સોમવતી અમાસે પીપળાના પૂજનથી પૂર્ણ થશે મનોકામના

શ્રાવણનો (Shravan) અંતિમ દિવસ એટલે અમાસ. આ વખતે તો અમાસ અને સોમવારનો સંયોગ છે એટલે કે સોમવતી અમાસ છે. સોમવતી અમાસનું આપણા શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યું છે. એમાં પણ ખાસ તો શ્રાવણની આ સોમવતી અમાસ એટલે તો શ્રાવણના આખાયે મહિનાનું એક સાથે પૂણ્યનું ભાથુ બાંધવાનો અવસર.

સોમવાર એટલે તો શિવજીની આરાધનાનો અવસર અને સોમવતી અમાસનો દિવસ તો ખાસ શિવજીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. પુરાણોમાં સોમવતી અમાસે ખાસ દાન કરવાનો મહિમા પણ બતાવાયો છે. જરૂરિયાતમંદને સોમવતી અમાસે કરવામાં આવતું દાન વ્યક્તિને મહાદેવની વિશેષ કૃપાના અધિકારી બનાવે છે. તો સોમવતી અમાસે પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ મહિમા બતાવાયો છે.

આજે અમે આપને જણાવીશું કેટલાક સરળ ઉપાય કે જેનાથી આ સોમવતી અમાસે આપના પર વરસશે મહાદેવની કૃપા. જાણીશું પીપળાના પૂજનથી કેવી રીતે પૂર્ણ થશે આપની મનોકામના ? સાથે જ જાણીશું કે શું દાન કરવાથી મળશે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશિર્વાદ ?

એવું કહેવાય છે કે પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ, થડમાં શિવજી અને આગળના ભાગમાં બ્રહ્માજીનો વાસ છે. એટલે જો સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમામની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ જીવનમાં સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.

સોમવતી અમાસે પીપળાની પરિક્રમા કરવાનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે પતિના દીર્ઘાયુ માટે પણ પરણીત સ્ત્રીઓ સોમવતી અમાસે પીપળાની પરિક્રમા અને પૂજન કરે છે. સોમવતી અમાસે પીપળાને જળ ચઢાવવાથી પિતૃઓ પણ તૃપ્ત થતાં હોવાની માન્યતા છે. કહેવાય છે કે સોમવતી અમાસે પીપળાની પરિક્રમાની સાથે તુલસીના છોડની 108 પરિક્રમા પણ કરવી જોઈએ.

શું કરશો દાન ?

સોમવતી અમાસે દાનનું વિશેષ મહત્વ છે. કોઈ ગરીબને સોમવતી અમાસે અનાજનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ધાન્યના ભંડાર અવશ્ય ભરેલા રહે છે. એવું કહેવાય છે કે જેની કુંડળીમાં ચંદ્ર કમજોર છે તેને સોમવતી અમાસે ગાયને દહીં અને ભાત ખવડાવવા જોઈએ. સોમવતી અમાસે માછલીને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. સોમવતી અમાસે તલના લાડુનું દાન કરવાનું પણ મહત્વ છે. તો જરૂરિયાતમંદ વ્યક્તિની સાથે પશુ પક્ષીઓને પણ ભોજન કરાવવું જોઈએ.

 

આ પણ વાંચો: Paryushan: પરમાત્માની સમીપે લઈ જતો મહાપર્વ એટલે જ પર્વાધિરાજ પર્યુષણ

આ પણ વાંચો: Astrology: એક જ દિવસે મંગળ અને શુક્ર ગ્રહનું સંક્રમણ ! કોણે કરવો પડી શકે છે સમસ્યાનો સામનો ?

Click on your DTH Provider to Add TV9 Gujarati