ધનતેરસના અવસરે આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 13, 2022 | 12:19 PM

ધનતેરસના (Dhanteras) અવસરે દાનનો પણ વિશેષ મહિમા રહેલો છે. કહે છે કે જો આ દિવસે દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, પરિવાર પર આવનારા સંકટો પણ દાનકર્મથી ટળી જાય છે.

ધનતેરસના અવસરે આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે
Dhanteras

હિંદુ ધર્મમાં ધનતેરસના (Dhanteras) પર્વની આગવી જ મહત્તા છે. આ એ અવસર છે કે જે ધનની દેવી માતા લક્ષ્મીને (Laxmi) પ્રસન્ન કરવા માટે સર્વોત્તમ મનાય છે. તો આ દિવસે નવી વસ્તુઓ, સોનુ, ચાંદી, કપડાં, વાહન, વાસણ વગેરેની ખરીદી પણ અત્યંત શુભ મનાય છે. મોટાભાગે દરેક પરિવારમાં ધનતેરસના અવસરે કોઇને કોઇ વસ્તુ ખરીદવાનો રિવાજ કે પરંપરા હોય જ છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ધનતેરસના અવસરે તો દાન કરવું પણ અત્યંત ફળદાયી મનાય છે.

ધનતેરસના અવસરે દાનની સવિશેષ મહત્તા છે. કહે છે કે જો આ દિવસે દાન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, પરિવાર પર આવનારા સંકટો પણ દાનકર્મથી ટળી જાય છે. ત્યારે આવો જાણીએ કે આ અવસરે કઈ ખાસ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી બની રહેતું હોય છે.

અનાજનું દાન

માન્યતા અનુસાર જો તમે ધનતેરસના દિવસે અનાજનું દાન કરો છો, તો ઘરમાં અનાજના ભંડાર હંમેશા ભરેલા જ રહે છે. અનાજનું દાન કરવાની સાથે તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદને ભોજન પણ કરાવી શકો છો. અને ભોજન કરાવ્યા બાદ શક્ય હોય તો તમે તેને પૈસાનું પણ દાન કરી શકો છો.

લોખંડનું દાન

ધનતેરસના દિવસે લોખંડનું દાન કરવું ખૂબ શુભ મનાય છે. જો તમારા પર કોઈ સંકટ આવી પડ્યું હોય, કે દુર્ભાગ્ય પીછો જ ન છોડતું હોય તો લોખંડનું દાન ફળદાયી બની રહેશે. માન્યતા અનુસાર લોખંડના દાનથી તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે શક્ય હોય તો લોખંડની કોઈ વસ્તુનું દાન અચૂક કરો. અટકેલાં કાર્ય પણ આ દાનકર્મથી પરિપૂર્ણ થઈ જતા હોવાની માન્યતા છે. તેમજ આ દાનને લીધે ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી વર્તાતી.

વસ્ત્રનું દાન

ધનતેરસના દિવસે વસ્ત્રનું દાન કરવું વિશેષ ફળદાયી બની રહે છે. શક્ય હોય તો જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન કરો. આ દાનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થાય છે. તેમની કૃપા સમગ્ર પરિવાર પર વરસે છે. જો શક્ય હોય તો પીળા વસ્ત્રનું દાન કરવું. તે વિશેષ ફળદાયી બનશે.

સાવરણીનું દાન

ધનતેરસના અવસરે સાવરણી ખરીદવાની પરંપરા તો છે જ. પરંતુ, આ દિવસે ઝાડુનું દાન કરવું પણ શુભદાયી અને ફળદાયી બને છે. એટલે આ દિવસે કોઈ મંદિરમાં જઈ ત્યાંના સફાઈકર્મીને સાવરણીનું દાન કરવું જોઈએ. તેના ફળરૂપે વ્યક્તિને ક્યારેય દરિદ્રતાનો સામનો નહીં કરવો પડે.

શું ધ્યાન રાખશો ?

1. ધનતેરસના અવસરે દાનનો મહિમા છે. પણ, એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ દાન સૂર્યાસ્ત પૂર્વે જ કરી લેવામાં આવે.

2. આ દિવસે સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં, સફેદ મીઠાઈ વગેરેનું દાન ન કરવું, તે અશુભ મનાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati