શું તમને ખબર છે પુરીજગન્નાથ મંદિરના આ 7 રહસ્ય ?
રોજ હજારો શ્રદ્ધાળુઓ પુરીના શ્રીમંદિરમાં પ્રસાદ ગ્રહણ કરે છે. પણ, માન્યતા એવી છે કે આજ સુધી ક્યારેય ભક્તો માટે પ્રસાદ ઓછો નથી પડ્યો. એટલું જ નહીં મંદિરના દ્વાર બંધ થતાની સાથે જ આ પ્રસાદ પણ ખત્મ થઈ જાય છે !
પુરીજગન્નાથ (purijagannath) એ કળિયુગનું મહાધામ મનાય છે. અહીં ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના ‘જગન્નાથ’ સ્વરૂપના દર્શન થાય છે. મહામારીના સંજોગોને બાદ કરતા આ ધામ સદૈવ ભક્તોની ભીડથી ઉભરાતું જ રહ્યું છે. જો કે અહીં શ્રદ્ધાળુઓને ખેંચી લાવતું સૌથી મોટું પરિબળ સ્વયં જગન્નાથ ઉપરાંત તેમના સ્થાનક સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો પણ છે !
પુરીજગન્નાથમાં સ્થિત શ્રીમંદિર સાથે અનેક રોચક માન્યતાઓ જોડાયેલી છે. આ માન્યતાઓ અત્યંત રહસ્ય ભરેલી છે. ત્યારે આવો આપણે પણ જાણીએ મંદિરના આ રોચક રહસ્ય.
શ્રીમંદિરના રહસ્ય 1 માન્યતા અનુસાર શ્રીમંદિર પર સ્થિત ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો હોય છે. આવું કેવી રીતે બને છે તે આજે પણ એક રહસ્ય છે.
2 શ્રીમંદિરના મુખ્ય શિખર પર નીલચક્ર વિદ્યમાન છે. અને કહે છે કે તમે પુરીના કોઈપણ સ્થાન પર ઉભા રહી આ નીલચક્રને નિહાળશો, તો પણ તે તમને સીધું જ દેખાશે !
3 એક માન્યતા અનુસાર સમય કોઈપણ હોય આ મંદિરના મુખ્ય શિખરનો પડછાયો ક્યારેય ધરતી પર પડતો જ નથી !
4 શ્રીમંદિરની અંદર કાર્યરત્ વિશ્વના સૌથી મોટાં રસોડમાં એકની ઉપર એક એમ સાત હાંડીઓ ગોઠવી ભોજન બનાવવામાં આવે છે. માન્યતા છે કે આ ક્રિયામાં સૌથી ઉપર મૂકાયેલ હાંડીનું ભોજન સૌથી પહેલાં રંધાય છે. અને સૌથી નીચે રહેલી હાંડીનું ભોજન સૌથી છેલ્લે તૈયાર થાય છે ! આ ઘટના અત્યંત રહસ્યમય છે.
5 રોજ હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રસાદ ગ્રહણ કરે છે. પણ, માન્યતા એવી છે કે આજ સુધી ક્યારેય ભક્તો માટે પ્રસાદ ઓછો નથી પડ્યો. એટલું જ નહીં મંદિરના દ્વાર બંધ થતાની સાથે જ આ પ્રસાદ પણ ખત્મ થઈ જાય છે !
6 સામાન્ય રીતે દિવસે પવન સમુદ્રથી ધરતી તરફ ફૂંકાતો હોય છે. અને સાંજે ધરતી પરથી સમુદ્ર તરફ. પરંતુ, પુરીમાં આ ક્રમ આશ્ચર્યજનક રીતે ઉંધો જોવા મળે છે.
7 પુરી દરિયાકિનારે સ્થિત હોઈ ગમે તે સ્થાન પર ઘૂઘવતાં દરિયાનો અવાજ સંભળાતો જ રહે છે. પણ, આશ્ચર્યની વાત એ છે કે મંદિર પ્રવેશ માટે સિંહદ્વારની અંદર પગ મૂકતાં જ આ અવાજ બંધ થઈ જાય છે. અને મંદિરની બહાર આવતાં જ તે પુન: સંભળાવા લાગે છે. ભલાં આવું કેવી રીતે બની શકે ?
જેટલું રહસ્યમય પ્રભુ જગન્નાથજીનું સ્વરૂપ છે. એટલાં જ રહસ્ય તો તેમના મંદિર સાથે પણ જોડાયેલા છે. અને એ જ તો પ્રભુ જગન્નાથ પ્રત્યેની ભક્તોની આસ્થાને વધુ દ્રઢ કરે છે.