પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવાયા બાદ પણ ભારત ક્રિકેટ મેચ રમવાનું બંધ નહીં કરે, શું છે તેની પાછળની અસલી હકીકત?- વાંચો
એકતરફ પહલગામ એટેક બાદ ભારતે પાકિસ્તાનના પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. તેના રાજદૂતોને અહીંથી હાંકી કાઢ્યા છે. ઍરસ્પેસ બંધ કરી દીધા, પાણી બંધ કરી દીધુ, બંને દેશોના વિઝા બંધ કર્યા, સોશિયલ મીડિયા, યુટ્યુબ પર પણ કાતર ફેરવી દીધી. પરંતુ ટેરર અને ટોક એકસાથે નહીં ચાલેનો દાવો કરનારી ભારતની સરકારોને ટેરર અને ક્રિકેટ એકસાથે ચાલે તેમા કોઈ વાંધો નથી. ભારત પાકિસ્તાનના તમામ આતંકી હુમલાઓ સહન કરશે પરંતુ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ નહીં કરે. તાજેતરમાં 14 સપ્ટેમ્બરે જ IND-PAK વચ્ચે એશિયા કપની મેચ રમાવાની છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે કેમ પાકિસ્તાન સામેની કોઈપણ મેચ રમવાનો BCCI ઈનકાર નથી કરતી.-વાંચો વિસ્તારથી.

તાજેતરમાં ઓપરેશન સિંદૂરની મેરેથોન ચર્ચા દરમિયાન દેશની સંસદમાં પણ જે મુદ્દો ઉઠ્યો એ હતો ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાનારી એશિયા કપની મેચનો. BCCI ના આ નિર્ણયને લઈને વિવાદ એટલા માટે છે કે પહલગામ હુમલા બાદ આપણે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યા છે.તો આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમી શકીએ એવો સવાલ ન માત્ર દેશના કેટલાક વિપક્ષી દળો પરંતુ દેશવાસીઓ અને પહલગામ હુમલામાં પોતાના વ્હાલસોયા સ્વજનોને ગુમાવનારા એ પીડિત પરિવારોને પણ થઈ રહ્યો છે.
પહલગામ હુમલાના 145 દિવસ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ!
એક તરફ આપણે એવુ કહીએ છીએ કે ઓપરેશન સિંદૂર દ્વારા આપણે પહલગામ હુમલાનો બદલો લીધો અને તાજેતરમાં શ્રાવણના પહેલા સોમવારે ઓપરેશન મહાદેવ અંતર્ગત પહલગામ હુમલાના ત્રણ આતંકીઓને આપણી સેના અને J&K પોલીસે મોતને ઘાટ ઉતાર્યા છે અને એ તમામ પીડિતોને થોડી કળ વળી છે. આપણી સરકારોએ દેશની સંસદમાં ઓન રેકોર્ડ કહી ચુકી છે કે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર બંધ નથી કર્યુ, હજુ ચાલુ જ છે અને બીજી તરફ આપણી ટીમ પાકિસ્તાન સામે એશિયા કપમાં મેચ રમવા તૈયાર છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ યોજાવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે એલાન કર્યુ છે 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગૃપમાં હશે અને આ બંને ટીમો વચ્ચે 14 સપ્ટેમ્બરે પ્રથમ મેચ રમવામાં આવશે. આ શેડ્યુલ ગત સપ્તાહમાં જ જારી કરી દેવાયુ હતુ અને સૌને એવી આશા હતી કે BCCI તેના પર આપત્તિ વ્યક્ત કરશે અને મેચને રદ કરી દેવાશે.
ચોંકાવનારી બાબત તો એ છે કે આ એશિયાકપની યજમાની ખુદ ભારતનું BCCI જ કરી રહ્યુ છે. સવાલ એ છે કે શું ભારત આ મેચ રમવાની ના નહોંતુ પાડી શક્તુ? આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર BCCI દ્વારા એવો તર્ક રજૂ કરાયો છે કે જો ભારત આવુ કરે છે તો તેનાથી પાકિસ્તાનને ફાયદો થશે. પાકિસ્તાનને વોકઓવર મળી જશે. ( Walkover એ સ્પોર્ટ્સમાં ઉપયોગમાં લેવાતી એક ટર્મ છે. જેમાં રમ્યા વિના જ મેચ જીતી લેશે અને તેની રેન્કિંગ, પોઇન્ટ્સ અને ટૂર્નામેન્ટમાં આગળ વધશે. એ પ્રકારનો અર્થ થાય છે)
ખૂન-પાની એકસાથે ન વહી શકે પરંતુ બંદુકો અને બેટ એકસાથે ચાલી શકે ?
તેનો જવાબ છે હાં.. પાકિસ્તાન સાથે ક્રિકેટ એ માત્ર રમત નથી પરંતુ કરોડો રૂપિયાના કારોબારનો સમગ્ર ખેલ છે. તમામ દેશવાસીઓ એ વાતને સારી રીતે સમજે છે કે ભારત-પાકિસ્તાનની મેચ કેમ રવિવારે જ રમાય છે. સમગ્ર ખેલ રૂપિયાનો છે. અને બીજો ખેલ છે વ્યુઅર શીપનો. IND-PAK મેચને વધુ વ્યુઅરશીપ મળે તેના માટે જ રવિવારે જ મેચ રમાડવામાં આવે છે. કારણ કે સૌથી મોટી કમાણી આ બંને દેશો વચ્ચેની મેચ દરમિયાન જ થાય છે. દરેક દેશવાસીની વ્યુઅરશીપના કારણે જ આ મેચને આટલુ વેઈટેજ મળે છે.
ફેબ્રુઆરી 2019ના પુલવામાં હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કૂલ 9 મેચ રમાઈ છે. એ જાણવા છતા કે પાકિસ્તાને ભારતમાં આતંક ફેલાવવાનું બંધ નથી કર્યુ. દરેક વખતે પાકિસ્તાનના હુમલા બાદ આપણે એવુ કહીને મેચ જારી રાખીએ છીએ કે મેચ નહીં રમીએ તો પાકિસ્તાનને વોકઓવર મળી જશે. વાસ્તવમાં આ વોકઓવર પાછળ ચિક્કાર રૂપિયાનો ખેલ છે.

IND-PAKની મેચની ટિકિટોમાંથી જ 100 કરોડથી વધુનો વકરો
ચાલુ વર્ષે ફેબ્રુઆરી- 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ICC એ માત્ર ટિકિટ વેચીને જ 104 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ, સ્પોન્સર્સ, વિજ્ઞાપન સહિતનામાંથી પણ 100 કરોડથી વધુની કમાણી થાય છે. આ પૈસા માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેની એક મેચમાંથી જ આવી જાય છે. જેનુ કારણ છે આ મેચની વ્યુઅરશિપ જ એટલી હોય છે.
તમાશો Walkover નો અને અસલી ખેલ રૂપિયાનો
વર્ષ 2015માં જ્યારે વર્લ્ડ કપમાં ભારત-પાાકિસ્તાનની મેચ થઈ હતી ત્યારે માત્ર જાહેરખબરમાંથી 110 કરોડ રૂપિયા મળ્યા હતા. જો આ તમામ રૂપિયાનો સરવાળો કરીએ તો માત્ર IND-PAK ની એક મેચમાં જ 200 થી 250 કરોડ કમાણી થાય છે. આ કમાણીમાં વધારો થાય એટલા માટે જ IND-PAK ને એક જ ગૃપમાં રાખવામાં આવે છે. જેના કારણે બંને દેશો વચ્ચે એક થી વધુ મેચ રમાય અને વધુમાં વધુ નોટો લાવી શકાય અને આ વખતે પણ આજ કારણ છે કે એશિયા કપમાં IND-PAK ની મેચને રદ કરવાનું ન BCCI કે ના તો ICC વિચારે છે. વોકઓવર તો માત્ર બહાનું છે અસલી ખેલ તો રૂપિયાનો છે.
IND-PAK મેચમાં માત્ર બ્રોડકાસ્ટ્સ ડીલમાંથી જ 600 થી 800 કરોડની કમાણી
આ વખતે પણ એક જ ગૃપમાં હોવાથી 14 સપ્ટેમ્બરે તો મેચ રમાશે જ, એ સિવાય પણ અલગ અલગ પરિસ્થિતિઓમાં એશિયા કપ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે કૂલ ત્રણ મેચ રમાઈ શકે છે. જે સ્પષ્ટ કરે છે કે આ સમગ્ર ખેલ પૈસાનો છે. કેટલાક લોકોને તો એ પણ નહીં ખબર હોય કે એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરાવે છે, જે અંતર્ગત બ્રોડકાસ્ટ્સ ડીલથી કૂલ 600 થી 800 કરોડ રૂપિયાની કમાણી થાય છે. તેમા સૌથી વધુ પૈસા એ દેશના ક્રિકેટબોર્ડને મળે છે જેની સૌથી વધુ વ્યુઅપશિપ હોય છે. જેમ કે BCCI સૌથી વધુ વ્યુઅરશિપ લાવે છે તો બ્રોડકાસ્ટ ડીલના 60 ટકાથી વધુ રૂપિયા BCCI ને મળે છે.
ભારત આ વખતે એશિયા કપની યજમાની પણ કરી રહ્યુ છે, આથી તેને નોમિનલ હોસ્ટિંગ ફી પણ મળશે ઉપરાંત ટિકિટોના વેચાણથી જે પૈસા આવશે તેનાથી પણ સૌથી મોટો હિસ્સો BCCI નો હશે. જો આ તમામ પૈસાનો હિસાબ જાણ્યા પછી પણ કોઈને એવુ લાગતુ હોય કે ભારત પાકિસ્તાનની મેચ એટલે યોજાઈ રહી છે કે તેનાથી પાકિસ્તાનને વોકઓવર મળી જાય, તો તે તો માત્ર એક બહાનું છે.
જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એશિયા કપનું આયોજન કરાઈ રહ્યુ છે, તેના અધ્યક્ષ મોહસીન નક્વી છે. જે એક સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. જે પાકિસ્તાનની સરકારમાં હાલ મંત્રી છે અને પહલગામ એટેક બાદ ભારત પર આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાન પર આતંકવાદને લઈને ખોટા આરોપ લગાવે છે. આ શખ્સ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બેસીને ભારત-પાકિસ્તાન મેચના નિર્ણયો કરી રહ્યો છે અને આ નિર્ણયને ક્રિકેટ ની જીત ગણાવી રહ્યો છે.
પહલગામ હુમલામાં માત્ર લગ્નના એક જ સપ્તાહમાં પાકિસ્તાનના આતંકીઓએ ધર્મ પૂછીને લેફ્ટનન્ટ વિનય નરવાલને પહલગામની બાઈસરન ઘાટીમાં પોઈન્ટ બ્લેન્ક ગોળી મારીને શહીદ કરી દીધા. આવી 25 મહિલાઓએ માત્ર હિંદુ ધર્મના હોવાને કારણે તેમના પતિઓને ખોયા છે. પરંતુ આપણી સરકારો એ ભૂલી ગઈ અને હવે આપણે એશિયા કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવા માટે તૈયાર થઈ ગયા. પહલગામમાં આતંકીઓના હાથે માર્યા ગયેલા શુભમ દ્વીવેદીની પત્નીએ આ મેચ અંગે તેમની પ્રતિક્રિયા આપી કે BCCI માત્ર ત્રણ મહિનામાં આટલુ જલદી કેમ ભૂલી શકે કે આ 26 પરિવારો પર શું વિતી છે? એશન્યાએ વધુમાં કહ્યુ કે મને નહોંતી ખબર આ દેશ અમારા દુ:ખને આટલુ જલદી ભૂલી જશે.
ઓવૈસીએ પણ સંસદમાં સવાલ ઉઠાવ્યો કે સિંધુનુ 80 ટકા પાણી એવુ કહીને આપણે રોકી રહ્યા છીએ કે પાણી અને રક્ત એકસાથે નહીં વહે, પરંતુ ક્રિકેટ મેચ બંધ નહીં થાય. UBT જૂથના સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યો કે ટેરર અને ટોક એકસાથે ન ચાલે પરંતુ ટેરર અને ક્રિકેટ એકસાથે સરકારને મંજૂર છે. કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદ કહે છે કે એક તરફ ખૂન ના બદલે ખૂન ની વાતો કરો છે પરંતુ પૈસા માટે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં પણ કોઈ શર્મ નથી નડતી. જે વિધવાઓના આંખના આંસુ પણ નથી સુકાયા ત્યારે સૌરવ ગાંગુલી એવુ કહી રહ્યા છે કે “Sports is Sports And Game should go on”.
