Weather Update: દેશના નવ રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે
દેશના અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે દેશના નવ રાજ્યોમાં હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં સોમવારે તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. ગુજરાતમાં પણ ગઈકાલ સોમવારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો હતો. દિલ્હીમાં આજે હળવો વરસાદ પડી શકે છે.
દેશના અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં ઊંચા તાપમાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિક્કિમ, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહીત દેશના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળવાની સંભાવના છે. નોંધનીય છે કે પંજાબ અને હરિયાણામાં સોમવારે ગરમીના પ્રકોપ જેવી સ્થિતિ જોવા મળી હતી. જો કે, મંગળવારે પણ આવી જ સ્થિતિ પ્રવર્તશે તેવી આગાહી છે. હવામાન વિભાગે ગરમીને લઈને ચેતવણી મહારાષ્ટ્ર સરકારના એક કાર્યક્રમમાં કેટલાક કલાકો સુધી ખુલ્લામાં બેસીને 13 લોકોના મોત થયાના એક દિવસ બાદ ઉચ્ચારી આવી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મંગળવારથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. 18 થી 20 એપ્રિલ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે.
પૂર્વીય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ
હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જ્યારે બંગાળની ખાડીની દિશામાંથી પવન ફૂંકાય છે, ત્યારે ઘણી વખત વાદળોનું આવરણ હોય છે. જે પૂર્વીય રાજ્યોમાં તાપમાનને નીચે લાવે છે. તેમણે વધુમાં સમજાવ્યું કે, ઉત્તરપશ્ચિમ તરફથી ગરમ, સૂકા પવનો પૂર્વ ભારતમાં ફૂંકાઈ રહ્યા છે. જ્યાં તેમના સ્થાનને કારણે ભેજનું સ્તર પ્રમાણમાં ઊંચું છે. તેથી પૂર્વીય રાજ્યોના લોકોએ ગરમીથી બચવાના પૂરતા પગલાં લેવાની જરૂર છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…