
ભારતીય હવામાન વિભાગે (IMD) કરેલી જાહેરાત અનુસાર, ચોમાસાએ આજે કેરળ અને લક્ષદ્વીપના સમગ્ર વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કર્ણાટકના કેટલાક ભાગો, તમિલનાડુ, કોમોરિન વિસ્તાર તેમજ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 2થી 3 દિવસ દરમિયાન ચોમાસું વધુ આગળ વધીને ગોવા, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના વધુ વિસ્તારો, તમિલનાડુના બાકીના ભાગો તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરી શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર ઉપર ચોમાસાને આગળ ઘપાવે તેવા વાદળોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, પશ્ચિમ દિશાના પવનો (Westerlies) સમુદ્ર સપાટીથી આશરે 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી સક્રિય રહ્યા હતા અને નીચલા સ્તરે તેમની ગતિ 20થી 25 નોટ્સ વચ્ચે નોંધાઈ હતી.
કેરળમાં આમ તો છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સર્જાયેલ હતું. પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાન વ્યાપક વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો. આ તમામ પરિબળો ચોમાસાના આગમન માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતા હોવાથી આજે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ બેસી ગયુ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતો માટે આ મોટા સમાચાર ગણાઈ રહ્યાં છે. દેશમાં નૈઋત્યના ચોમાસાના આગમનથી, ખેતી ક્ષેત્રને મોટી રાહત મળી છે. ખાસ કરીને ખરીફ પાકની વાવણી માટે વરસાદ અનુકૂળ સાબિત થશે. આગામી દિવસોમાં ચોમાસું દેશના અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે