MONEY9: ખાદ્યતેલના ભાવમાં લાગેલી મોંઘવારીની આગ કેમ બની વિકરાળ?

ભારતમાં વપરાતું 70 ટકા જેટલું ખાદ્યતેલ આયાત કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, પરિણામે ભારતે વધારે ભાવ ચૂકવવો પડે છે. આમ, મોંઘા ખાદ્યતેલને કારણે રસોડાનું રાશનનું બિલ વધી ગયું છે અને અંતે ફુગાવો વધ્યો છે. 

Divyesh Nagar
| Edited By: | Updated on: May 04, 2022 | 3:16 PM

ભારતમાં વપરાતું 70 ટકા જેટલું ખાદ્યતેલ (EDIBLE OIL) આયાત (IMPORT) કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, પરિણામે ભારતે વધારે ભાવ ચૂકવવો પડે છે. આમ, મોંઘા ખાદ્યતેલને કારણે રસોડાનું રાશનનું બિલ વધી ગયું છે અને અંતે ફુગાવો (INFLATION) વધ્યો છે. ઉદાહરણ સાથે સમજીએ તો અમદાવાદમાં રહેતાં કોમલબેને આ વખતે મહિનાનું રાશન મંગાવ્યું તો બિલનો આંકડો જોઈને ચોંકી ગયા, કારણ કે બિલ ગયા મહિના કરતાં ઘણું વધારે હતું. તેમણે ગણતરી કરી તો ખબર પડી કે બિલનો આંકડો વધવાનું કારણ મોંઘું ખાદ્યતેલ છે. 

સરસવના તેલનો ભાવ તો બે મહિના પહેલાના ભાવની આસપાસ છે, પરંતુ પામ, સોયા અને સૂર્યમુખી તેલના ભાવને કારણે રાશનનું બિલ બગડી ગયું છે. આ ત્રણેય તેલ ભારતમાં વપરાતા કુલ ખાદ્યતેલમાં 70 ટકા હિસ્સો ધરાવે છે અને માંગને પહોંચી વળવા માટે ભારતે તેની આયાત કરવી પડે છે. ભારતમાં જેટલું પણ સૂર્યમુખીનું તેલ ઉપયોગમાં લેવાય છે, તેનો લગભગ 98 ટકા હિસ્સો વિદેશમાંથી મંગાવવો પડે છે. આવી જ રીતે 96 ટકા પામ ઓઈલ અને લગભગ 50 ટકા સોયા ઓઈલ માટે પણ આપણે આયાત પર આધાર રાખવો પડે છે.  એટલે કે આ વર્ષે તમે જે તેલ માટે વધારે ભાવ ચૂકવી રહ્યા છો, તે અન્ય દેશોમાંથી આવેલું તેલ છે. 

પામ ઓઈલની વાત કરીએ તો આપણે મહત્તમ આયાત મલેશિયાથી કરીએ છીએ અને મલેશિયા તેનું મુખ્ય ઉત્પાદક પણ છે. પરંતુ આ વખતે મલેશિયામાં ઉત્પાદન ઘટ્યું છે, એટલે પામ ઓઈલના ભાવ સતત વધ્યા છે અને તેની અસર અન્ય ખાદ્યતેલના ભાવ પર પડી છે. ઘણા રિફાઈન્ડ તેલમાં મિલાવટ માટે તેનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી પણ ભાવ ઊંચકાયા છે કારણ કે, ભારતમાં જેટલા પણ ખાદ્યતેલની ખપત થાય છે, તેમાં લગભગ 90 ટકા હિસ્સો રિફાઈન્ડ ઓઈલનો છે. 

મોંઘા પામ ઓઈલને કારણે ખાદ્યતેલની મોંઘવારીનું મીટર તો પહેલેથી જ ધડાધડ દોડતું હતું, ત્યાં વળી રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું, એટલે ખાદ્યતેલની મોંઘવારીએ વધુ સ્પીડ પકડી. તેના માટે નિમિત્ત બન્યું સનફ્લાવર ઓઈલ, કારણ કે સમગ્ર દુનિયામાં સપ્લાય થતાં કુલ સનફ્લાવર ઓઈલનો 55થી 60 ટકા સપ્લાય રશિયા અને યુક્રેનથી થાય છે. યુદ્ધ શરૂ થયું એટલે આ સપ્લાય ખોરવાઈ જવાનો ભય વધ્યો. બસ, આ કારણસર સૂર્યમુખીના તેલના ભાવમાં ભડકો થયો છે. 

ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસોમાં સૂર્યમુખીનું તેલ 1,400 ડોલરથી નીચે મળી જતું હતું પણ માર્ચમાં તેના માટે 2,250 ડોલરથી પણ વધુ ચૂકવવાનો વારો આવ્યો હતો. ભાવમાં થયેલો આ વધારો ભારત જેવા દેશો માટે મોટી મુસીબત છે, કારણ કે, દુનિયામાં જેટલું પણ સૂર્યમુખીનું તેલ બને છે, તેનો 11થી 12 ટકા હિસ્સો ભારત હજમ કરી જાય છે, ઓછામાં પૂરું ભારત આ વપરાશનો 98 ટકા હિસ્સો આયાત કરે છે, એટલે જે ભાવે તેલ મળે તે ભાવ તો ચૂકવવો જ પડે. 

આમ, આખીયે વાતનો સાર એટલો જ છે કે, ખાવાના તેલની મોંઘવારીમાં પહેલેથી જે આગ લાગી હતી, તેણે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ભારતનું પ્રત્યેક રસોડું તેની ગરમીમાં સેકાવા માટે મજબૂર બન્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">