Gujarati Video: ખેડાના ગળતેશ્વરમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ડાંગર સહિતના ઉભા પાકને નુકસાનની ભીતિ
Kheda: ખેડાના ગળતેશ્વરમાં વીજળીના કડાકા સાથે વરસાદ કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના ડાકોર, ઠાસરા, નેશ, કાલસર, રામપુરા, નડિયાદ મહુધા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ખેડાના ગળતેશ્વર તાલુકામાં ભરશિયાળે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડયુ હતુ. તો ડાકોર, ઠાસરા, નેશ, કાલસર, રામપુરા, નડિયાદ, મહુધા, પીજ, વસો સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. માવઠાના પગલે ડાકોરમાં ભક્તો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. તો બીજી તરફ વરસાદના પગલે તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ હતી. પશુપાલકોનો ઘાસચારો પલળી જતા તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કમોસમી વરસાદ થતા ખેડૂતોને પણ પારાવાર નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. મહા મહેનતે મોંઘા ભાવના બિયારણો લાવી ખેડૂતોએ વાવેતર કર્યુ હતુ. વાવેતર બાદ હવે લણણીના સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
આ તરફ બનાસકાંઠા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના કારણે રવિ પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. રાત્રે પડેલા વરસાદમાં ખેતરમાં કાપણી કરેલા પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં રાયડા, વરિયાળી, બટાટા જેવા પાકની કાપણી કરી હતી. ત્યાં અચાનક આવેલા વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરાવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને આકરી મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. હાલ તો કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતો તંત્ર સમક્ષ સરવે કરી સહાય આપવાની માગ કરી રહ્યા છે.