વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા તરાપા સડી ગયા, તંત્ર દ્વારા જાળવણીના અભાવે બની ગયા ભંગાર

વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા તરાપા સડી ગયા, તંત્ર દ્વારા જાળવણીના અભાવે બની ગયા ભંગાર

| Edited By: | Updated on: Jun 24, 2026 | 4:32 PM

વડોદરા મનપા દ્વારા ₹40 લાખના ખર્ચે ખરીદાયેલા 200 પૂર રાહત તરાપા જાળવણીના અભાવે સડીને ભંગાર બન્યા છે. ચોમાસામાં પૂર સામે બચાવ માટે ખરીદાયેલા આ તરાપાનો ક્યારેય ઉપયોગ થયો નથી. માત્ર દોઢ વર્ષમાં જ બિનઉપયોગી બનતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે

ચોમાસામાં દર વર્ષે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પૂરમાં બચાવની કામગીરી માટે 2024માં મનપાએ 40 લાખના ખર્ચે 200 જેટલા તરાપા ખરીદ્યા હતા પરંતુ હાલ મોટાભાગના તરાપા ભંગારની હાલતમાં છે. પૂરની આપત્તિમાં બચાવ કામગીરી ઝડપથી થઈ શકે તે માટે શહેરના જુદા-જુદા વોર્ડમાં તરાપા રાખવામાં આવ્યા હતા. જેથી પૂરની સ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખરીદી બાદ આ તરાપાઓનો એકપણ વખત ઉપયોગ થયો નથી. તેમ છતાં માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ મોટાભાગના તરાપા સડી ગયા. ઘણા તરાપા હવે ઉપયોગલાયક સ્થિતિમાં નથી. તરાપાની દુર્દશાને લઈને વિપક્ષે મનપાના વહીવટ સામે સવાલો કર્યા.

તો બીજીતરફ ફાયર વિભાગ તરાપા અંગે અજાણ છે. ફાયર વિભાગના અધિકારીનો દાવો છે કે અમે બચાવ કામગીરી માટે બોટથી કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે અને અમારી પાસે બોટ સારી સ્થિતિમાં છે.

એક તરફ નાગરિકોની સુરક્ષા માટે ખરીદાયેલા સાધનો જ સડી રહ્યા છે. બીજી તરફ મનપા તંત્ર આનાથી સંપૂર્ણપણે અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરા મનપાની કમાન સંભાળનાર નવા મેયરને આ અંગે સવાલ પૂછાયો ત્યારે તેઓ પણ તરાપા અંગે અજાણ હતા. તેમણે આ અંગે કહ્યું કે મીડિયા થકી આ વિષય અમારા ધ્યાને આવ્યો છે. તપાસ કરીને કાર્યવાહી કરાશે. હાલ રાજ્યમાં ચોમાસાની પણ શરૂઆત થઈ ચુકી છે ત્યારે જોવુ રહ્યુ કે આ મામલે કોઈ કાર્યવાહી થશે કે નહીં.

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

Published on: Jun 24, 2026 04:31 PM
Follow Us