રિલાયન્સનો મોટો નિર્ણય : EU પ્રતિબંધોના પગલે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહી ખરીદે
અમેરિકા રશિયાનું ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે ભારત પર વારંવાર દબાણ કરી રહ્યું હતું. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવતા 1.7 થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઈલનો લગભગ અડધો ભાગ ખરીદતી હતી. જોકે, યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયાને નિશાન બનાવીને અનેક પ્રતિબંધો લાદવામાં આવતાં, રિલાયન્સ કંપનીએ રશિયન ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દીધી છે.
ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે, તેવા સંજોગોમાં એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ભારતીય ઉદ્યોગ જગતની આગેવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. નિષ્ણાતો આ પગલાને ભારત–અમેરિકા ટ્રેડ ડીલમાં ગતિ લાવનાર વિકાસ તરીકે જોઈ રહ્યા છે.
અમેરિકા લાંબા સમયથી ભારત પર દબાણ કરી રહ્યું હતું કે તે રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડે. ટ્રમ્પ સરકારના સમયમાં રશિયન ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર 25 ટકા સુધીનો વધારાનો ટેરિફ પણ લગાવ્યો હતો. વધુમાં, ટ્રેડ ડીલ માટે અમેરિકા સ્પષ્ટ કરી ચુક્યું હતું કે, રશિયન ઓઈલ આયાતમાં ઘટાડો આ સોદાનું મુખ્ય શરત હશે. આવા પરિસ્થિતિમાં રિલાયન્સનો નિર્ણય અમેરિકાની માંગ સાથે મેળ ખાય છે અને ભારત માટે વ્યૂહાત્મક રીતે અનુકૂળ બની શકે છે.
રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને યુરોપિયન યુનિયને, રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે કોઈ પણ વસ્તુ ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. રિલાયન્સ રશિયા પાસેથી કાચુ ઈંધણ ખરીદીને જામનગર સ્થિત રિફાઈનરીમાં શુદ્ધ કરીને યુરોપના દેશમાં વેચાણ કરતું હતુ. આથી યુરોપિયન યુનિયનને પ્રતિબંધના કારણે, હવે રિલાયન્સે પણ રશિયા પાસેથી કાચુ ઈંધણ ખરીદવાનું બંધ કર્યું છે, જેથી તેના યુરોપના ગ્રાહકો જળવાઈ રહે.
રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, રશિયાથી મંગાવવામાં આવતુ કાચું ઈંધણ 20 નવેમ્બરથી ખરીદવાનું બંધ કરી દેવાયું છે. જામનગર સ્થિત રિફાઈનરીમાંથી 1 ડિસેમ્બરે નિકાસ થનાર શુદ્ધ ઈંધણ રશિયા પાસેથી ખરીદાયેલુ નહીં હોય.
રિલાયન્સ જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે અને તે રશિયાથી દરરોજ આવતા 1.7થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ ક્રૂડમાંથી લગભગ અડધો ભાગ ખરીદતી હતી. યુરોપિયન યુનિયનના રશિયન ઓઈલથી બનેલા ઈંધણ પર પ્રતિબંધો લાગુ થતાં, રિલાયન્સે 20 નવેમ્બરથી SEZ (Special Economic Zone) રિફાઈનરી માટે રશિયન ક્રૂડની ખરીદી સંપૂર્ણપણે રોકી દીધી છે. જૂનો જથ્થો પૂર્ણ થયા પછી કંપની હવે માત્ર રશિયા સિવાયના સ્ત્રોતમાંથી ક્રૂડ પ્રોસેસ કરશે. આ નિર્ણય વૈશ્વિક પરિસ્થિતિ, અમેરિકાના દબાણ અને ભારતની ટ્રેડ સ્ટ્રેટેજીને ધ્યાને રાખીને લેવાયેલ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને કૂટનીતિક પગલું માનવામાં આવી રહ્યું છે.
