TV9 Impact: રાજકોટમાં સરવેની કામગીરી માત્ર કાગળ પર હોવાના અહેવાલ બાદ તંત્ર આવ્યું હરકતમાં, સરવે અંગે તપાસ હાથ ધરી
TV9એ અહેવાલ પ્રસારિત કરી ખેડૂતોની વ્યથાને ઉજાગર કરી હતી. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ વિસ્તરણ અધિકારીની ટીમ આટકોટ પહોંચી અને સરવે અંગે તપાસ શરૂ કરી હતી.
રાજકોટના આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીના સરવે મુદ્દે TV9એ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. આટકોટમાં સરવેની કામગીરી માત્ર કાગળ પર થઇ હોવાનો કિસાન કોંગ્રેસે દાવો કર્યો હતો. જે બાદ TV9એ અહેવાલ પ્રસારિત કરી ખેડૂતોની વ્યથાને ઉજાગર કરી હતી. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ વિસ્તરણ અધિકારીની ટીમ આટકોટ પહોંચી અને સરવે અંગે તપાસ શરૂ કરી હતી.
જો કે અસરગ્રસ્ત ખેડૂતોએ સરવેને લઈને ફરી અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર સહાય ન ચૂકવવાના હેતુથી નુકસાનીના અલગ અલગ નિયમો અને પરિપત્રો દર્શાવે છે. ઘઉંનો પાક લેવા માટે ખેડૂતોએ ઘણું દેવું પણ કર્યું છે. ત્યારે જો પાકનું વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન તેમજ આત્મહત્યા સુદ્ધાં કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાયના નિયમ મુજબ જો 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ વળતર મળવા પાત્ર છે. ઘણા ખેડૂતોનો ઉત્પાદન થયેલો માલ તેમજ તેમને થયેલી નુકસાની સરકારના ધારાધોરણમાં ન આવતી હોવાનું તંત્રના અધિકારીઓનું કહેવું છે. આથી ફરી સરવે કર્યા બાદ પણ ખેડૂતોને સહાય નહીં મળી શકે તેમ અધિકારીએ જણાવ્યું છે.
ગુજરાત સહિત રાજકોટ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
