તંત્રનો અજીબોગરીબ જવાબ : ‘300 મીટર કેનાલ બનાવવાનું તો અમે ભૂલી ગયા’! 15 વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો હવે આરપારના જંગના મૂડમાં!

| Edited By: | Updated on: May 05, 2026 | 3:38 PM

નર્મદા કેનાલના નિર્માણના વર્ષો બાદ પણ સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. 15 વર્ષ પહેલાં બનેલી કેનાલ આજે ઝાડી-ઝાંખરાથી ભરાઈ ગઈ છે અને જર્જરિત હાલતમાં છે. નવાઈની વાત એ છે કે તંત્ર સ્વીકારી રહ્યું છે કે તેઓ કેનાલનો એક ટુકડો બનાવવાનું જ ભૂલી ગયા છે, જેના કારણે 500 એકર જમીન બિન-ઉપજાઉ બની રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જ્યાં ખેડૂતો મુખ્યત્વે ઘઉં, કપાસ અને મગફળી જેવા પાકો પર નિર્ભર છે. સરકારનો દાવો છે કે નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ આ જિલ્લાને મળ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. વઢવાણ, ખારવા, બલદાણા અને ગોમટા જેવા ગામોના ખેડૂતો માટે આ કેનાલ માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ છે.

અધૂરી કામગીરી અને તંત્રની બેદરકારી

ખેડૂતોએ પોતાની કિંમતી જમીન કેનાલ માટે આપી હતી એ આશાએ કે તેઓ વર્ષમાં બે પાક લઈ શકશે. પરંતુ 15 વર્ષ વીતવા છતાં કેનાલમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. જ્યારે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, ત્યારે ચોંકાવનારો જવાબ મળ્યો કે “300 મીટર જેટલી કેનાલ બનાવવાનું ભૂલાઈ ગયું છે.” આ ભૂલને કારણે આજે કેનાલમાં પાણીને બદલે બાવળ અને ઝાડીઓ ઉગી નીકળ્યા છે.

500 એકર જમીન પર સંકટ

કેનાલની જર્જરિત હાલત અને પાણીના અભાવે અંદાજે 500 એકર જેટલી જમીન બિન-ઉપજાઉ બની રહી છે. ખેડૂતોનો આરોપ છે કે અત્યાર સુધીમાં 4 ધારાસભ્યો બદલાઈ ગયા, પરંતુ કોઈએ તેમની આ પીડા સાંભળી નથી. પાણી ન મળવાને કારણે ખેડૂતો હવે રોકડિયા પાક વાવવા મજબૂર બન્યા છે અને તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

આંદોલનની ચીમકી

સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરી પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માગ છે કે સરકાર ગાઢ નિદ્રામાંથી જાગે અને તેમના હક્કનું પાણી તેમને પહોંચાડે.

સુરતમાં ક્રાઈમ અને તેજસ્વી પરિણામોનો સંગમ: SBI બેંકમાં 50 લાખની લૂંટના આરોપીઓ UP થી ઝડપાયા, તો બીજી તરફ સાયન્સમાં નંદિનીએ વગાડ્યો ડંકો!

Follow Us
Loading...
Unable to load recommendations.