Sabarkantha: હિંમતનગરના 17 ખેડૂત સાથે રૂપિયા 65 લાખથી વધુ રૂપિયાની થઈ છેતરપિંડી
ડોલ્ફીન એગ્રોના માલિકે 17 જેટલા ખેડૂત પાસેથી 1,200થી 1,440 રૂપિયાના ભાવમાં મગફળી ખરીદી હતી. તમામ 17 ખેડૂત પાસેથી રૂ.65,81,236ની મગફળી ખરીદી તેમને ચેક આપ્યા હતા.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર (Himmatnagar)માં ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પીંપળીયા ગામના 20થી વધુ ખેડૂત (Farmers)ની મગફળી ખરીદી કર્યા બાદ વેપારીઓએ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સાણંદ તાલુકાની ડોલ્ફીન એગ્રોના માલિકે ઈડરના મેસણ ગામના બે વચેટીયા હિતેષ પટેલ અને ગેમર નામના માધ્યમથી હિંમતનગરના પીપળીયામાંથી મગફળી ખરીદી પેમેન્ટ કરીને વિશ્વાસમાં લીધા હતા. ખેડૂતોને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં રોકડા રુપિયા ચુકવાયા હતા અને ઉંચા ભાવે મગફળીની ખરીદી કરી હતી.
ત્યારબાદ ડોલ્ફીન એગ્રોના માલિકે 17 જેટલા ખેડૂત પાસેથી 1,200થી 1,440 રૂપિયાના ભાવમાં મગફળી ખરીદી હતી. તમામ 17 ખેડૂત પાસેથી રૂ.65,81,236ની મગફળી ખરીદી તેમને ચેક આપ્યા હતા. જો કે 22 ડિસેમ્બરના રોજ એક ખેડૂતનો ચેક બાઉન્સ થયો હતો.
તપાસ કરતાં ગામના અન્ય 16 ખેડૂતના ચેક આ જ રીતે બાઉન્સ જવાની અને તેમના પણ પૈસા ડૂબ્યાની જાણ થઈ હતી. બાદમાં સાણંદ તાલુકામાં આવેલા ડોલ્ફીન એગ્રોની મુખ્ય ઓફિસમાં તપાસ હાથ ધરાઈ હતી. જો કે ડોલ્ફીન એગ્રોના માલિકનો સંપર્ક થઇ શક્યો નહીં અને છેતરપિંડી આચરાયાની ખેડૂતોને જાણ થઈ. ગાંભોઈ પોલીસે ખેડૂતની ફરિયાદને પગલે રાજુ પ્રજાપતિ, હિતેશ પટેલ અને ગેમર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સિગ્નલ સ્કૂલો શરૂ કરાશે, AMTSની બસોને શાળાઓમાં પરિવર્તિત કરાશે
આ પણ વાંચોઃ RAJKOT : ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન