ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગણાતા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ, શું કહ્યુ લાલબાપુએ- જુઓ વીડિયો

|

Mar 29, 2024 | 11:28 PM

પરશોત્તમ રૂપાલાએ આજે ગોંડલમાં ગણેશગઢમાં આયોજિત રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠકમાં હાજરી આપી હતી. અહીં તેમણે તેમના નિવેદન બદલ ખેદ વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની ક્ષમાયાચના કરી હતી. જે બાદ રૂપાલા ત્યાંથી સીધા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ પહોંચ્યા હતા અને લાલબાપુના આશિર્વાદ લીધા હતા.

પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે. વાલ્મિકી સમાજના સંમેલનમાં પોતાના નિવેદનથી થયેલા વિવાદ બાદ રૂપાલાએ આજે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા દ્વારા આયોજિત ક્ષત્રિય- રજપૂત સમાજની બેઠકમાં હાજરી આપી હતી અને ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માગી હતી. આ બેઠકમાંથી રૂપાલા સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળ્યા હતા અને લાલબાપુના આશિર્વાદ મેળવ્યા હતા.

રૂપાલાએ ક્ષત્રિય સંમેલનમાં માગી માફી

આજે ગોંડલમાં રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉઠેલા રોષને પગલે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. જેમા જયરાજસિંહે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે એમનાથી ભૂલ થઈ છે અને ક્ષાત્ર ધર્મ એવુ કહે છે કે આપણે માફ કરવાના છે. જે બાદ રૂપાલાએ પણ બે હાથ જોડીને તેમના નિવેદન બદલ દેશભરના ક્ષત્રિયોની માફી માગી હતી.

શું કહ્યુ લાલ બાપુએ ?

લાલ બાપુએ પણ રૂપાલાની હાજરીમાં જણાવ્યુ હતુ કે હું સમાજને મારી રીતે સમજાવવાનો પુરતો પ્રયાસ કરીશ. એના માટે અમે મહેનત કરશુ અને સમાજ સમજે તેવી અમારી ભાવના અને લાગણી છે. સમાજની ગરીમા  એ પણ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને સમાજને મારી રીતે હું સમજાવીશ અને બધાનું સારુ થાય એવુ કરશુ.

રૂપાલાએ ગધેથડ જઈ લાલબાપુના લીધા આશિર્વાદ

આ સંમેલન બાદ રૂપાલા લાલબાપુના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા અને ત્યાં થોડો સમય રોકાયા હતા. લાલાબાપુ એ ક્ષત્રિય સમાજના પૂજનિય છે. આથી તેમની સાથેની રૂપાલાની આ મુલાકાત ઘણી સૂચક અને ઘણી મહત્વની ગણાઈ રહી છે. હજુ સુધી આ વિવાદ અંગે લાલબાપુ દ્વારા કોઈપણ પ્રકારની વાત કરવામાં આવી નથી અને કોઈ ચર્ચા કરવામાં આવી નથી, જો અહીંથી કોઈ સંદેશો નીકળે તો જરૂરથી ક્ષત્રિય સમાજને આ સંદેશો માન્ય રહેતો હોય છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલા તેમની પાસે પહોંચ્યા છે ત્યારે આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગોંડલમાં રૂપાલાએ રાજપૂત સમાજની બેઠકમાં ફરી એકવાર માંગી માફી, સમાજે માફીને રાખી સ્વીકાર્ય, હવે વિવાદનો થશે અંત?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video