રાજકોટમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન, મેયરે રખડતા ઢોરોને પકડવાની આપી ખાતરી

| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:20 PM

રાજકોટમાં રખડતા ખૂંટિયાઓને પકડવા માટે હવે રહી-રહીને તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટ મનપાની 4 ટીમ રોડ પર ફરતા પશુઓને પકડીને ડબ્બામાં પુરશે.

રાજકોટમાં (Rajkot) રખડતા ઢોરની (Stray cattle) સમસ્યા વધુ વિકટ બનતી જઇ રહી છે. કોઈ ને કોઈ વિસ્તારમાં રોજ રખડતા ખૂંટિયા કોઈને અડફેટે લઈને હોસ્પિટલના બીછાને મોકલી દે છે. રાજકોટમાં બે-ત્રણ દિવસ પહેલા જ એક વૃદ્ધને ખૂંટિયાએ ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું હતું. તો રૈયાધારા સ્લમ ક્વાર્ટરમાં બાખડતા આખલાએ ઘરની બહાર ઉભેલી બે મહિલાઓને અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થઈ હતી. રાજકોટમાં રખડતા ખૂંટિયાઓને પકડવા માટે હવે રહી-રહીને તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટના મેયર પ્રદીપ ડવે (Mayor Pradeep Dav) દાવો કર્યો છે કે  મનપાની 4 ટીમ રોડ પર ફરતા પશુઓને પકડીને ડબ્બામાં પુરશે. આ કામગીરી સવાર-સાંજ ચાલશે. જેમાં 2 ટીમ સવારે અને 2 ટીમ સાંજે રખડતા ઢોર પકડીને સ્થાનિકોને ત્રાસમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરશે.

રાજકોટ મનપા દરેક પમશુપાલકોને પશુ દીઠ પરમિટ પણ આપશે. રાજકોટના નગરજનો આખલાના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે ખાસ ઝૂંબેશની લાંબા સમયથી માગ કરી રહ્યાં હતા. જો કે આખલાની અડફેટે આવેલી મહિલાના પરિવારજનોના કહેવા પ્રમાણે બે મહિના પહેલા આ વિસ્તારમાં ઢોર પકડનારી ટીમ આવી હતી, પરંતુ ત્યારબાદ કોઇ ઢોર પકડવા માટે આવ્યું નથી. આ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબ જ વઘારે છે જેને લઇને યોગ્ય કાર્યવાહી કરવાની માગ પરિવારજનોએ કરી છે. આ ઝૂંબેશ અધવચ્ચે પડતી ન મુકાય અને પરિણામલક્ષી બને તો લોકોને આખલાના આતંકમાથી છુટકારો મળશે.

બીજી તરફ રખડતાં ઢોર મામલે માલધારી સમાજે દોષનો ટોપલો મનપાની ઢીલી કામગીરી પર નાખ્યો છે. માલધારી સમાજના અગ્રણીઓના કહેવા પ્રમાણે શહેરમાં ઢોરનો જે ત્રાસ છે તે આખલાઓનો છે, પરંતુ મનપાના અધિકારીઓ આખલાઓને પકડવાને બદલે ગાયોને પકડી પાડે છે. માલધારી સમાજ પણ આખલાઓને પકડવા માટે સહયોગ આપશે તેવો દાવો કર્યો છે.

આ પણ વાંચો-

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પગારથી વંચિત, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતા માત્ર ઠાલા આશ્વાસન

આ પણ વાંચો-

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની કરશે મુલાકાત, INS વાલસુરાને કલર એવોર્ડથી સન્માનિત કરશે