32 જિંદગીઓને ભરખી જનારા ગેમઝોનના સ્થળે મૃતકોના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા કરાયા ચતુશ્લોકી ભાગવત્ ના પાઠ- Video
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં શનિવારની સાંજે સર્જાયેલા અગ્નિકાંડના તાંડવમાં 9 બાળકો સહિત 32 લોકો જીવતા હોમાઈ ગયા. 32 લોકોને ભરખી જનારા એ કાળમૂખા ગેમઝોનના સ્થળે આજે મેદાન બની ગયુ છે. આ ઘટનાસ્થળે આજે મૃતકોના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા ચતુશ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા.
રાજકોટના નાના મવા રોડ પર આવેલો એ ગેમઝોન જે એક સમયે બાળકોના આનંદ કિલ્લોથી ગૂંજતો હતો તે આજે સ્મશાનમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગેમઝોન હતો ત્યાં આજે મેદાન થઈ ગયુ. શનિવારની સાંજે થયેલા અગ્નિકાંડમાં 32 જિંદગીઓ એ આગમાં હોમાઈ ગઈ. એ હતભાગીઓના આત્માની શાંતિ માટે આજે ત્યાં 9 બ્રાહ્મણો દ્વારા ભાગવતના પાઠ કરવામાં આવ્યા. બ્રાહ્મણોએ ઘટનાસ્થળ પર ચતુશ્લોકી ભાગવતના પાઠ કર્યા. મૃતકોના આત્માને શાંતિ અર્પણ કરવા માટે દૂધ, તલ, પાણી, તુલસી સમર્પિત કરી ભાગવતના પાઠ કરવામાં આવ્યા અને ભગવાન વિષ્ણુને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.
રાજકોટનો એ કાળમૂખો ટીઆરપી ગેમ ઝોન જે 32 થી વધુ લોકોને ભરખી ગયો. જ્યાં અગ્નિકાંડ સર્જાયા બાદ બળીને ભડથુ થઈ ગયેલા મૃતકોના મૃતદેહ પણ મળવા પામ્યા નથી. માત્ર કેટલાક અવશેષો મળી શક્યા છે. એ હતભાગી પરિવારો જે તેમના સ્વજનને છેલ્લીવાર મનભરીને નિહાળી પણ ન શક્યા. જે એક સમયે ભૂલકાઓના મસ્તી અને આનંદ કિલ્લો સાથે ગૂંજતો હતો ત્યાંથી શનિવારની સાંજે મરણચીસો ઉઠી, જ્યાં હોંશે હોંશે માસૂમ બાળકો તેમના માતાપિતા સાથે મજા માણવા આવ્યા હતા,તેમની એ મજા આખરી બની રહી અને આગમાં જ ભડથુ થઈ ગયા. એ ક્યારેય તેમના ઘરે પાછા ન ફરી શક્યા. જો આ માસૂમો કે તેમના માતાપિતા એવુ જાણતા હોત કે કેટલાક લાલચુઓના પાપે તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે તો કદાચ તેઓ ક્યારેય એ ગેમઝોન ભણી ડોકિયુ સુદ્ધા ન કરત.
આ પણ વાંચો: Breaking News: રાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘો, પોલીસ-મનપા કમિશનરોને હાંકી કાઢ્યા, અન્ય અધિકારીઓને પણ હટાવાયા
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો