Rajkot : બિપરજોય વાવાઝોડાની કઠિન પરિસ્થિતમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં 42 કલાકમાં 22 બાળકો જન્મ્યા
બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે, રાજકોટમાં 42 કલાકમાં 22 બાળકોનો જન્મ થયો છે. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો એ વખાણી હતી.

Cyclone Biporjoy : માંના ગર્ભમાં રહેલું બાળક જેટલું સુરક્ષિત રહે છે તેટલી જ સુરક્ષિતતા સાથે બિપરજોય વાવાઝોડાના તોફાની કહેર વચ્ચે પ્રસૂતાઓની ડિલિવરી તા. 14 થી 17 દરમ્યાન થવાની હોય તે તમામ મહિલાઓને રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં દાખલ કરી સુરક્ષિત રાખવામાં આવી હતી.
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તરીશા મર્ચન્ટના જણાવ્યા મુજબ ગત તા. 15 ના રોજ કુલ 13 ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં 7 નોર્મલ જયારે 6 સિઝેરિયન ડિલિવરી દ્વારા બાળકોના જન્મ સાથે માતા અને બાળકો સુરક્ષિત છે. જયારે આજરોજ તા. 16 ના 4 નોર્મલ તેમજ 5 સિઝેરિયન સાથે કુલ 9 બાળકોનું અવતરણ થયું છે. વાવાઝોડાની પરિસ્થિતિ નોર્મલ થયા બાદ માતા અને બાળને ખીલખીલાટ વાન દ્વારા સુરક્ષિત તેઓને ઘરે પહોંચાડવામાં આવશે.
બીજી તરફ સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં 34 બાળકોનો જન્મ થયા છે. વહીવટીતંત્ર દ્વારા 552 પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જેમાંથી 382 પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. કચ્છમાં “બિપરજોય” વાવાઝોડાની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તથા અસરગ્રસ્ત વિસ્તારની પ્રસુતાઓની સલામતી હેતુ તેમને આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી.
ત્યારે બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન ભારે પવન તેમજ વરસાદની કપરી સ્થિતિ છતાં પણ 24 કલાક દરમિયાન 34 પ્રસુતાઓની સફળ ડિલિવરી કરાવાઈ છે. જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી હતી. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે.
રાજકોટ જામનગર, કચ્છ, સહિત તમામ અસરગ્રસ્ત જીલ્લામાં વાવાઝોડાની સ્થિતિમાં ભયાનક દ્રશ્યો વચ્ચે બાળકોના જન્મ થયા છે. જેમાં રાજકોટમાં 42 કલાકમાં 22 બાળકોનો જન્મ થયો છે. કપરી પરિસ્થિતિમાં પણ ડોક્ટરોની કામગીરી સફળ થઈ છે.