સુરતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, કોઝવે ઓવર ટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

|

Sep 28, 2024 | 5:37 PM

સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે સુરત શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમ્યાન વહેલી સવારે શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લામાં વરસાદના કારણે કોઝવે ઓવર ટોપિંગના કારણે 7 રસ્તાઓ બંધ છે. જેમાં માંડવીમાં 6 અને માંગરોળમાં 1 રસ્તો બંધ છે. પાણી ઉતરતા જ રસ્તાઓ શરુ થશે.

રાજ્યમાં ચોમાસું પૂર્ણ થવાને આરે છે. એવામાં સુરત જિલ્લામાં વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળ્યો છે. ગતરોજ સુરત જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જયારે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 7 રસ્તાઓ કોઝવે ઓવર ટોપિંગના કારણે બંધ છે. જેમાં માંડવીમાં 6 અને માંગરોળમાં 1 રસ્તો બંધ છે. પાણી ઉતરતા જ રસ્તાઓ શરુ થશે.

ડિઝાસ્ટર મામલતદાર તૃપ્તિબેન ગામીતે જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છુટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી. જયારે આજની તારીખે છુટા છવાયા સ્થળે ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈ કાલની સ્થિતિએ સુરત જિલ્લાની અંદર 43.03 એમએમ સરેરાશ વરસાદ વરસ્યો હતો. જે પૈકી ઉમરપાડા તાલુકામાં 117 એમ.એમ. નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જયારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે. આજે 12 વાગ્યા સુધીના વરસાદ જોઈએ તો સરેરાશ વરસાદ 11.02 એમએમ છે તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 એમએમ વરસાદ વરસ્યો છે જયારે સુરત શહેરની અંદર 26 એમએમ વરસાદ વરસ્યો હતો.

વધુમાં જાણાવ્યું હતું કે રેડ એલર્ટને પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલા લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેમજ નદી નાળા કિનારે લોકો ના જાય અને સલામત સ્થળે રહે તેવી સુચના આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:05 pm, Sat, 28 September 24

Next Video