Devbhumi Dwarka: 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લો મુકાશે સિગ્નેચર બ્રિજ, જાણો શું છે તેની ખાસિયત
દ્વારકાના સમુદ્ર પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે. હવે તેના પરથી નાના-મોટા તમામ વાહનો પસાર થઇ શકશે. તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરાઇ છે. તેમજ સિગ્નેચર બ્રિજ પર વ્યૂ પોઇન્ટ સાથે શ્લોકની કોતરણી પણ કરાઇ છે.
આખરે વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી બેટ દ્વારકા અને ઓખાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. દ્વારકા દર્શને આવનારા લોકો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને જતા હતા. જે હવે બ્રિજ મારફતે વધુ સરળ બનશે.
દ્વારકાના સમુદ્ર પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે. હવે તેના પરથી નાના-મોટા તમામ વાહનો પસાર થઇ શકશે. તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરાઇ છે. તેમજ સિગ્નેચર બ્રિજ પર વ્યૂ પોઇન્ટ સાથે શ્લોકની કોતરણી પણ કરાઇ છે. જેથી હવે બેટ દ્વારકા પ્રવાસનને વધુ વેગ મળશે અને લોકો સરળતાથી અવરજવર કરી શકશે.
સિગ્નેચર બ્રિજની વિશેષતા
સિગ્નેચર બ્રિજની વિશેષતા અંગે વાત કરીએ તો, ખૂબ જ સુંદર રીતે 4 લેન વાળો 2320 મીટર લાંબો સિગ્નેચર બ્રિજ બનાવાયો છે. જેમાં 900 મીટરનો ભાગ કેબલ સ્ટેયડ છે. આ બ્રિજના એક તરફ ઓખા અને બીજી તરફ બેટ દ્વારકા છે. આ બંનેને જોડતા બ્રિજ પાસે 2452 મીટરનો એપ્રોચ રોડ પણ તૈયાર કરાયો છે. તો ઓખા તરફ પાર્કિંગ પણ બનાવાયું છે. બ્રિજની પહોળાઇ 27.20 મીટ છે. તેની બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથનું નિર્માણ કરાયું છે.
બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર કોતરણી કરીને મોરપીંછનું ચિત્રકામ કરાયું છે. આ ઉપરાંત, સિગ્નેચર બ્રિજ પર 12 લોકેશન પર વ્યૂ ગેલેરી રખાઇ છે. જ્યાંથી લોકો સમુદ્ર, બેટ દ્વારકા અને ઓખાનો રમણીય નજારો જોઇ શકશે. બ્રિજની બંને બાજુ ફૂટપાથ પર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ગીતાના શ્લોક લખાયા છે. તેમજ ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પેનલો લગાવાઇ છે. જેનાથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.
આ પણ વાંચો- સાબરકાંઠા SP કચેરીના કર્મચારી સામે CM ને અરજીઓ કરી ત્રાસ ગુજારતા આપઘાતનો પ્રયાસ
વડાપ્રધાનના હસ્તે વિકાસના નવા રસ્તા ખુલશે
ઉલ્લેખનીય છે, દ્વારકામાં 21 ટાપુ આવેલા છે. જેમાંના એક બેટ દ્વારકામાં 12 હજાર જેટલી માનવ વસાહત છે. બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે, તો હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું એકમાત્ર મંદિર પણ અહીં જ આવેલું છે, ત્યારે હવે બ્રિજ બનવાથી બેટ દ્વારકા અને ઓખા વચ્ચે વાહનો સરળતાથી જઇ શકશે. પ્રવાસનને વધુ વેગ મળશે જેથી વિસ્તારનો વધુ વિકાસ થશે. પહેલા બોટમાં બેસીને સમુદ્રમાં માર્ગે લોકો દર્શનાર્થે જતા હતા અને ખરાબ હવામાનમાં બોટ બંધ કરી દેવાતી હતી. જો કે હવે લોકો ચાલીને અને વાહન લઇને પણ જઇ શકશે. તો હવે બસ રાહ જોવાઇ રહી છે 25 ફેબ્રુઆરીની, જ્યારે વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજની સાથે વિકાસના નવા રસ્તા ખુલ્લા મૂકશે.