સાબરકાંઠા SP કચેરીના કર્મચારી સામે CM ને અરજીઓ કરી ત્રાસ ગુજારતા આપઘાતનો પ્રયાસ
સાબરકાંઠા SP કચેરીના કર્મચારી પર ત્રણ શખ્શોએ ત્રાસ ગુજારી પરેશાન કરી મુકતા આખરે જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. મોડાસામાં રહેતા કર્મચારીએ પોતાનો વીડિયો બનાવ્યા બાદ આપઘાતનો પ્રયાસ કરી ઝેરી દવા પી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
સાબરકાંઠા SP કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ જેટલા લોકોએ કર્મચારીને નોકરીમાં પરેશાન કરી મુકવા માટે અરજીઓ કરીને હેરાનગતી કરી મુકી હતી. મુખ્યમંત્રી સુધી અરજીઓ કરીને સામાન્ય કર્મચારીને પરેશાન કરી મુકવાને પગલે આખરે કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ મોબાઇલથી એક વીડિયો પોતાનો રેકોર્ડ કર્યો હતો. જેમાં પોલીસ કર્મચારીએ પોતાના પર ગુજારવામાં આવી રહેલા અસહ્ય ત્રાસને રડતા રડતાં જ વર્ણવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે પણ હવે તપાસ હાથ ધરી છે.
ખોટી અરજીઓ કરી પરેશાન કર્યો-કર્મચારી
મોડાસા શહેરમાં રહેતા અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા મહેશ નાયીએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં બેસીને એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના ગુજારવામાં આવી રહેલા ત્રાસને વર્ણવ્યો હતો. જેમાં તેણે બતાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી પિતા-પુત્ર અને અન્ય એક શખ્શ એટી પટેલ ત્રાસ ગુજારી રહ્યા છે.
અવારનવાર અરજીઓ કરીને તેને નોકરીમાં પરેશાન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય પ્યૂનની ફરજ બજાવતા કર્મચારી સામે મુખ્યમંત્રી ઓનલાઈન સહિતની જગ્યાઓ પર અરજીઓ કરીને પરેશાન કરી મૂક્યો હતો. જેથી કંટાળી જઈને આખરે મહેશ નાયીએ ઝેરી દવા પી જઈ મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોડાસા પોલીસે હાથ ધરી તપાસ
ઘટના અંગે હવે મોડાસા પોલીસે તપાસ શરુ કરી છે. આત્મહત્યાના પગલા બાદ તુરત જ મહેશ નાયીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. બીજી તરફ મહેશ નાયીની પત્નિએ આ અંગે મોડાસા પોલીસને રજૂઆત કરતા આ અંગેની તપાસ હાથ ધરાઈ છે. જેમાં ગાંધીનગરના રમેશ પંચાસરા અને પુત્ર સંકેત પંચાસરા તેમજ મોડાસામાં રહેતા એટી પટેલ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી.
ઘર બનાવવાને લઈ આર્થિક મદદ મેળવ્યા બાદ મહેશ નાયીએ રકમ પરત કરી દીધા બાદ પણ તેને અરજીઓ કરીને પરેશાન કરવામાં આવી રહ્યો હતો. તેની ફરજમાં પરેશાનીઓ કરી મુકવાનો પ્રયાસ કરતા આખરે લાગી આવતા તેણે આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.