Patan: પોલીસને ભગાડનારા લુખ્ખાઓ પર ખાખીનો ‘કાળપંજો’, કુખ્યાત ભાવેશ ઝીલિયાના કાળા સામ્રાજ્ય પર બુલડોઝર

| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:35 PM

ઝીલિયા ગેંગવોરમાં ઉભી પૂંછડીએ ભાગ્યા બાદ આબરૂ બચાવવા છેવટે તંત્ર 'એક્શન મોડ'માં આવ્યું છે. ગૌચરની જમીન પર કબ્જો જમાવીને બેઠેલા ભાવેશ દેસાઈના આલીશાન ફાર્મ હાઉસ પર પોલીસે હથોડો વીંઝ્યો છે.

પાટણના ચાણસ્મા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનાર અસામાજિક તત્વો સામે આખરે તંત્રનો ‘હથોડો’ ચાલ્યો છે. ત્રણ દિવસ પહેલા ઝીલિયા ખાતે પોલીસ જે ગુંડાઓના ડરથી પલાયન થઈ ગઈ હતી, તે જ પોલીસે હવે પોતાની ખરડાયેલી છાપ સુધારવા માટે મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયાના ગેરકાયદે ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દીધું છે.

ગૌચરની જમીન પર ચાલતો હતો ‘મસ્તાની ગેંગ’નો કારોબાર

તપાસમાં સામે આવ્યું છે કે, કુખ્યાત ભાવેશ દેસાઈએ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે આલીશાન ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. આ ફાર્મ હાઉસ માત્ર રહેવા માટે નહીં, પરંતુ તેની ‘મસ્તાની ગેંગ’ના ગોરખધંધા ચલાવવાનું મુખ્ય કેન્દ્ર હતું. ચર્ચા તો એવી પણ છે કે આ અડ્ડા પર મોટા નેતાઓ અને મળતિયા પોલીસ અધિકારીઓની પણ અવરજવર રહેતી હતી. જોકે, પોલીસ પર હુમલા બાદ જ્યારે 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા અને ખાખીની આબરૂના ધજાગરા ઉડ્યા, ત્યારે છેવટે આ દબાણ હટાવવાની ફરજ પડી હતી.

મજબૂરીમાં કાર્યવાહી? તંત્રના મૌનથી ઉઠ્યા સવાલ

ડિમોલિશનની આ કામગીરી દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓના ચહેરા પર સ્પષ્ટપણે મજબૂરી જોવા મળતી હતી. જ્યારે આ મામલે મામલતદારને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું, જે સૂચવે છે કે આ કાર્યવાહી કદાચ ઉચ્ચ દબાણને વશ થઈને કરવામાં આવી છે.

શું ગુંડાગીરી પર લાગશે પૂર્ણવિરામ?

ભલે પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી હોય અને ફાર્મ હાઉસ તોડી પાડ્યું હોય, પરંતુ સવાલ એ છે કે શું આટલી કાર્યવાહીથી ભાવેશ ઝીલિયા જેવા તત્વોની ગુનાખોરી અટકશે? શું ગૌચર પર દબાણ કરનાર આ શખ્સ જેલમાં ગયા બાદ તેની ગેંગ ઠંડી પડશે કે પછી ફરી કોઈ નવો અડ્ડો ઊભો થશે? તે તો આવનારો સમય જ કહેશે.

(ઈનપુટ ક્રેડિટ: સુનિલ પટેલ)

શું તમે પણ ગર્લફ્રેન્ડને ફેમિલી સાથે મળાવવાનું વિચારી રહ્યા છો? ઉતાવળ કરતા પહેલા આ 5 ‘ડેન્જર સાઈન’ ચેક કરી લો

Published on: Mar 21, 2026 07:06 PM
Follow Us