હવે જનતાની ધીરજ ખૂટી…! નવસારીમાં સુવિધાઓના અભાવે રહીશોનો પિત્તો ગયો, ચૂંટણી બહિષ્કારનું ‘એલાન’ કર્યું
નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર-12માં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી પાણી, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત સ્થાનિકોએ હવે 'No Vote' નું શસ્ત્ર ઉગામીને ઉગ્ર હલ્લાબોલ શરૂ કર્યો છે.
નવસારીમાં વોર્ડ નં-12માં રહીશોએ ‘No Vote’ નું શસ્ત્ર ઉગામ્યું છે. આની પાછળનું મુખ્ય કારણ ત્યાંની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકોનું કહેવું છે કે, તેઓ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. આથી, ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાણી, ગટર અને રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.
વોર્ડ નં-12 રહીશોના જણાવ્યા અનુસાર, ઘણી રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો નિકાલ ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગંદુ પાણી, ગટરની સમસ્યા સતાવી રહી છે. ચોમાસામાં વરસાદના પાણીનો નિકાલ ન થતો હોવાનો પણ આક્ષેપ લાગ્યા છે.
સ્થાનિકોના મત મુજબ, અનેક રજૂઆતોના બાદ ગટર અને પાણીની સમસ્યામાં માત્ર થોડા દિવસની રાહત થતી હોય છે પરંતુ પાછળથી ફરીથી એ જ સ્થિતિ ઉદ્ભવે છે. રોષે ભરાયેલા રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો વહેલી તકે તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે.