25 દિવસ, 5 રાજ્યોમાં ફરાર પણ કાન ખાઉ ભાવિક ગજ્જર કેમ પકડાતો નથી? પોલીસની ઢીલી નીતિ કે રાજકીય દબાણ?
અમદાવાદના સાંતેજમાં નવરાત્રી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કરનાર રિચી રિચ પાન પાર્લરનો માલિક ભાવિક ગજ્જર 25 દિવસ પછી પણ ફરાર છે. દિવાળી વીતી જવા છતાં મુખ્ય આરોપી ન પકડાતાં પોલીસ કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદના સાંતેજ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન રોડ ક્રોસ કરવા બાબતે તનિષ પટેલ નામના યુવક પર જીવલેણ હુમલો કરી કાન કરડી લેવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી ભાવિક ગજ્જર 25 દિવસ વીતી ગયા છતાં પોલીસ પકડથી દૂર છે. નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પૂરા થઈ ગયા હોવા છતાં, હત્યાના પ્રયાસના આ આરોપીને ઝડપવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.
સાંતેજ પોલીસ અને LCB સહિતની 5 થી વધુ ટીમો તપાસ કરી રહી હોવાના દાવા વચ્ચે માત્ર હવાતિયાં જ જોવા મળી રહ્યા છે. રિચી રિચ પાન પાર્લરના માલિક ભાવિકને ભગાડવામાં મદદ કરનાર તેના કૌટુંબિક ભાઈ અવણ ગજ્જરની ધરપકડ બાદ પોલીસ જાણે સંતોષ માની બેસી ગઈ હોય તેમ તપાસ ધીમી પડી ગઈ છે. પૂછપરછમાં આરોપીઓ રાજસ્થાન, યુપી અને પંજાબ જેવા 5 રાજ્યોમાં હોટેલો ટાળી માત્ર ગાડીમાં જ ફરતા હોવાનું ખૂલ્યું હતું.
આરોપી અગાઉ પૂર્વ યુવા નેતા રહી ચૂક્યો હોવાથી, શું કોઈ રાજકીય દબાણ હેઠળ પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે? તેવા અનેક વેધક સવાલો હવે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
With input:- Mihir Soni
