મહેસાણામાં ‘મોતના સોદાગરો’નો પર્દાફાશ! દેશી ગોળના નામે પીરસાયું ધીમું ઝેર, તમારી કિડની-લીવર પર ખતરો!

| Edited By: | Updated on: Apr 05, 2026 | 7:27 PM

જાગી જાઓ મહેસાણાવાસીઓ! તમારા રસોડામાં શુદ્ધતાના નામે જે ગોળ પહોંચી રહ્યો છે, તે વાસ્તવમાં બીમારીઓનું પેકેટ છે. ફૂડ વિભાગના દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણો કઈ બ્રાન્ડના ગોળથી બચવું જોઈએ.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં શુદ્ધ દેશી ગોળના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાગી જાઓ મહેસાણાવાસીઓ! જિલ્લા ફૂડ અધિકારી અને તેમની ટીમ દ્વારા લેવામાં આવેલા ગોળના નમૂનાઓના પરીક્ષણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોકપ્રિય ગણાતી ‘રસમલાઈ’ અને ‘પોપટ છાપ’ બ્રાન્ડના ગોળના કુલ 6 નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સામાન્ય કાળા કે બ્રાઉન દેખાતા દેશી ગોળને વધુ સફેદ અને ચકચકાટ બનાવવા માટે ઉત્પાદકો દ્વારા પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો. આ કેમિકલયુક્ત કલર માનવ શરીર માટે અત્યંત ઘાતક છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવા કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસર પડી શકે છે અને લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ રહે છે.

આ મામલે તંત્રએ કડક વલણ અપનાવતા હરિક્રિષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ નામની પેઢીઓ સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે વધુ પડતા ચમકતા કે સફેદ ગોળ ખરીદતા પહેલા તેની શુદ્ધતાની ચકાસણી અવશ્ય કરવી.

Breaking News: ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ, 7 એપ્રિલે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં ખેડૂતો માટે ‘રેડ એલર્ટ’!

 

Follow Us