Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી
લગ્ન પ્રસંગમાં રાખેલા જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જણાયુ છે. જેથી જમણવારની ખાદ્ય સામગ્રીના ફૂડના સેમ્પલ પણ લેવાયા છે. આ સેમ્પલના પરિણામ આવ્યા બાદ ફૂડ પોઇઝનિંગનું કારણ જાણવા મળી શકે છે.
મહેસાણા (Mehsana)માં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ (Food poisoning)થઇ ગયુ છે. દર્દીઓને આસપાસની હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ (Health minister Rushikesh Patel) પટેલે પણ દર્દીઓની મુલાકાત લઇને તેમની સ્થિતિ જાણી છે.
મહેસાણાના વિસનગરના સવાલા નજીક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં લગભગ 15 હજાર જેટલા લોકોનું જમણવાર રાખવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણના સંબંધીના ત્યા આ લગ્ન પ્રસંગ હોવાની માહિતી મળી છે. લગ્નમાં જમણવાર બાદ લગભગ 1225 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયુ છે. આ તમામ લોકોને ઝાડા-ઊલ્ટી સહિતની સમસ્યાઓ થઇ હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ તમામને મહેસાણા, વિસનગર અને વડનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જિલ્લા કલેકટર, એસપી સહિતનું તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.
વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગરથી મોડી રાત્રે ૩:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા. પ્રધાન ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય અંગે પુછપરછ કરી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.
આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.
લગ્ન પ્રસંગમાં રાખેલા જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જણાયુ છે. જેથી જમણવારની ખાદ્ય સામગ્રીના ફૂડના સેમ્પલ પણ લેવાયા છે. આ સેમ્પલના પરિણામ આવ્યા બાદ ફૂડ પોઇઝનિંગનું કારણ જાણવા મળી શકે છે.
જિલ્લા કલેકટરે આપેલી માહિતી મુજબ અત્યારે બીમાર પડેલા તમામ લોકોને સારવાર આપી દેવામાં આવી છે. કેટલાક લોકો સારવાર બાદ સ્વસ્થ થઇ જતા તેમને રજા પણ આપી દેવાઇ છે. તો હાલમાં કોઇની પણ સ્થિતિ ગંભીર ન હોવાની પણ કલેક્ટરે માહિતી આપી છે.
આ પણ વાંચો-
Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ
આ પણ વાંચો-