ખાખી થઈ બદનામ: નશામાં ધૂત કોન્સ્ટેબલને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો, જાણો શું છે સમગ્ર મામલો- જુઓ video

| Edited By: | Updated on: Jan 22, 2026 | 7:25 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીના નિવાસે સુરક્ષામાં તૈનાત હથિયારધારી કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પ્રોહિબિશન એક્ટ હેઠળ આ ગંભીર બેદરકારી બદલ કોન્સ્ટેબલને જેલની સજા ફટકારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી, અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં નિવાસ કરે છે, જ્યાં તેમની સુરક્ષા માટે હથિયારધારી પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યો હતો. આ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કોન્સ્ટેબલ ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં મળી આવતા કોર્ટે તેમને કડક સજા ફટકારી છે.

રાણીપ પીઆઈ જ્યારે રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થાનું સરપ્રાઈઝ ચેકિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે તેઓ સોમાભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં ફરજ પર હાજર હથિયારધારી કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમારની હરકતો શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

જ્યારે પીઆઈ દ્વારા હથિયાર વિશે પૂછપરછ કરવામાં આવી, ત્યારે નશામાં ધૂત કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે તેણે તેનું હથિયાર પેટીમાં સુરક્ષિત મૂક્યું છે. તપાસ કરતા પેટીમાંથી હથિયાર મળી આવ્યું હતું, પરંતુ એક હથિયારધારી જવાન ડ્યુટી પર હથિયાર સાથે રાખવાને બદલે નશામાં ધૂત હતો. આ સમગ્ર મામલે લક્ષ્મણસિંહ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચુકાદો આપતા કોર્ટે કોન્સ્ટેબલને 1 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી સાથે જ રુ.1000નો દંડ ભરાવા આદેશ કર્યો હતો.

આ ચુકાદાથી પોલીસ વિભાગમાં ડ્યુટી પર બેદરકારી દાખવનારા કર્મચારીઓ માટે એક કડક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

સર્વાઇકલ કેન્સર શું છે? કેમ દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહી છે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 22, 2026 07:21 PM