જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રિના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.
વેપારીઓએ તંત્રના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ
બીજી તરફ ગીરનાર અને ભવનાથ તળેટીના વેપારીઓએ તંત્રના નિર્ણયને તુઘલખી ગણાવીને વખોડ્યો છે. વેપારીઓએ કહ્યું કે, તેમને જ્યા સુધી પ્લાસ્ટિકનું અલ્ટરનેટ નહીં આપવામાં આવે. ત્યા સુધી પ્લાસ્ટિક બંધ નહીં કરે. તેઓ પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરશે. મહત્વનું છે, શિવરાત્રિના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે. ત્યારે સૌથી વધારે પાણીની બોટલો સહિત પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓમાં વેચાણ થાય છે. તંત્રના આ નિર્ણયને પાછો ખેંચવાની માગ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
Input Credit- Vijaysinh Chudasma- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો