આબુ-અંબાજી હાઈ-વે પર ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ સર્જાયો

આબુ-અંબાજી (Abu Ambaji Highway) હાઈ વેની સાઈડ પરની ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં ભેખડનો કાટમાળ રસ્તા પર આવી જતા એક તરફનો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 18, 2022 | 11:47 PM

ગુજરાત (Gujarat)  અને રાજસ્થાનમાં સતત વરસી રહેલા વરસાદના(Rain)  પગલે અનેક હાઇવો પર પાણી ભરાયા છે. તેમજ અનેક સ્થળોએ રસ્તાઓ પણ ધોવાયા છે. જયારે આબુ-અંબાજી (Abu Ambaji Highway) હાઈ વેની સાઈડ પરની ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં ભેખડનો કાટમાળ રસ્તા પર આવી જતા એક તરફનો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો હતો. જેના પરિણામે ટ્રાફિક સર્જાયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી.

પાલનપુર-આબુ રોડ પર પાણી ભરાતા બંધ કરાયો

બનાસકાંઠામાં મુશળધાર વરસાદને પગલે પાલનપુર-આબુ રોડ બંધ કરાયો છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાણીનો નિકાલ કરવાની સૂચના આપી છે. તેમજ રોડ પર પાણી ભરાતા 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત બનાસકાંઠાના આબુ પાલનપુર નેશનલ હાઈવેની આસપાસ મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વરસાદના કારણે ખાડામાં પાણી ભરાતા વાહનો પણ ફસાયા છે.કરોડોના ખર્ચે તૈયાર થયેલા નેશનલ હાઇવેની હાલત દયનિય બની છે.નેશનલ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં ખાડા પૂરવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર- ઠેર તારાજી

બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લાખણી તાલુકાના  નાણી ગામના 50 થી વધુ પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા તેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને  કારણે સમગ્ર નાણી ગામ એક ટાપુમાં ફેરવાઇ ગયું છે. નાણી ગામને અન્ય ગામો સાથે જોડતા માર્ગો પર પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સમગ્ર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ત્યારે ગામના સ્થાનિકો પણ આ પરિસ્થિતિમાં સરકાર અસરગ્રસ્તોને સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati