શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાને લઈ ઠાકોરજીના દર્શને ગુજરાત અને રાજસ્થાનના ભક્તોની મોટી ભીડ ઉમટી
શામળાજીમાં કાર્તકી પૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. ગુજરાત અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ભક્તો કાર્તકી પૂર્ણિમાએ કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. સ્થાનિક આદિવાસી સમાજમાં શામળિયા ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે અને કાર્તકી પૂર્ણિમાને મોટી પૂનમ સ્વરુપ કહેતા હોય છે. આ દિવસે અહીં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજીને દર્શન કરાવા માટે મંદિરે આવતા હોય છે.
શામળાજીમાં અગિયારસથી જ મેળાની શરુઆત થતી હોય છે. કાર્તકી પૂર્ણિમાનુ વિશેષ મહત્વ હોવાને લઈ આદિવાસી સમાજ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. પાંચ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને વૈષ્ણવ સમાજના લોકો દર્શન કરવા માટે શામળાજી આવતા હોય છે.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન, લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા
ભગવાન શામળાજીને સ્થાનિકો કાળિયા ઠાકર તરીકે માને છે અને તેના દર્શન અચૂક કરવા માટે આ દિવસોમાં આવે છે. ભક્તોની ભીડ પૂનમને લઈ મોટી સંખ્યામાં ઉમટી હતી. આ દરમિયાન અહીં મેશ્વો નદીમાં આવેલ નાગધરાના કૂંડમાં સ્નાન કરીને પિતૃ મોક્ષ કરવાની માન્યતા છે. અહીં સ્ત્રીઓ અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે કૂંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવતા હોય છે. ભગવાન શામળિયાને વિશેષ શણગાર પૂનમને લઈ કરવામાં આવતો હોય છે.
દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પણ કાર્તકી પૂર્ણિમાએ દર્શન કરવા માટે શામળાજી પહોંચ્યા હતા. તેઓએ પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન કરીને લોક કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.