કરણીસેનાના પદ્મિનીબા વાળાએ જયરાજ સિંહ પર સાધ્યુ નિશાન, કહ્યુ સમાજના બાપ બનવાની કોશિષ ન કરો- વીડિયો
કરણીસેનાના પદ્મિનીબા વાળાએ પરશોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો અને ગોંડલમાં જયરાજસિંહની અધ્યક્ષતામાં મળેલા ક્ષત્રિય સંમેલનને રાજકીય સંમેલન ગણાવ્યુ. તેમણે જયરાજસિંહ પર પણ નિશાન તાક્યુ કે તે સમાજનો બાપ બનવાની કોશિષ ન કરે. મહિલાઓની અટકાયત કરાવનારાઓન પોતાના નામ પાછળ સિંહ લગાવવાને લાયક નથી.
રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રાણીઓમાં રોષ યથાવત છે. કોઈપણ સંજોગોમાં તેઓ સમાધાન કરવા તૈયાર નથી. ત્યારે હવે આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવે કરણી સેનાના પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ દ્વારા યોજાયેલ સંમેલનનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે જયરાજસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલની મિટિંગ સામાજિક નહીં પરંતુ રાજકિય હતી. રૂપાલા ગમે તેટલી માફી માગે પણ માફ કરવામાં નહીં આવે. જયરાજસિંહ સમાધાનનું નક્કી કરવાવાળા કોણ છે? જયરાજસિંહ સમાજના બાપ બનવાનો પ્રયાસ ના કરે. તમે સિંહ કહેવાને લાયક નથી. કોઈ પણ નામ પાછળ સિંહ લગાવે નહીં.
જયરાજસિંહને પોતાના નામ પાછળ સિંહ લગાવવાનો હક્ક નથી- પદ્મિનીબા વાળા
વધુમાં પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ પર નિશાન સાધતા કહ્યું કે હિમ્મત ન હોય તે મહિલાઓની અટકાયત કરાવે. રૂપાલાએ મહિલાઓનું અપમાન કર્યું હતું તો મહિલાઓને સંમેલનમાં એન્ટ્રી કેમ ન આપવામાં આવી. અમને બોલવાનો અધિકાર કેમ નહીં.
આ તરફ રૂપાલા સામે ક્ષત્રિય આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કરણી સેનાના હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ પૂતળા દહન, પોસ્ટર વોર શરૂ કરાશે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. એટલું જ નહીં રૂપાલા તેની સભામાં માર ખાવાની તૈયારી રાખે. રૂપાલાની સુરક્ષા વધારવી હોય એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો તૈયારી છે. આમ સમગ્ર રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે એક જ માગ કરી રહ્યું છે. ત્યારે હવે ભાજપ શું કરે છે તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો